સત્યમનું અસત્ય...ખતરાનો ઘંટ...

આ તો પૂંછડી દેખાઇ છે મોંઢું ક્યાં ?

હરેશ સુથાર|
દેશની ચોથા નંબરની કંપનીમાં કરાયેલ 8 હજાર કરોડના ગોટાળાએ સૌની આંખો ખોલી નાંખી છે. સરકાર તથા આર્થિક બાબતોનું ધ્યાન રાખતી એજન્સીઓ માટે આ ખતરાની ઘંટડી સમાન છે. આ તો એક બહાર આવ્યું છે અન્ય એવી ઘણી કંપનીઓ હશે જેમાં આવું બધુ લોલમ લોલ ચાલતું હશે !


ત્રણ માસના કારોબારની આવક રૂ. 2700 કરોડ, નફો રૂ. 649 કરોડ, કંપનીના ખાતામાં જમા રકમ રૂ. 5361 કરોડ, કંપનીને વ્યાજમાંથી થયેલી આવક 367 કરોડ રૂપિયા. કંપનીની આ બેલેન્સશીટ જોઇ ભલભલા રોકાણકારો આ કંપનીમાં નાણા રોકવાની તૈયાર થઇ જાય અને થયું પણ આમ જ.

વધુ કમાવવાની લાલચમાં લાખો કરોડો લોકોએ પોતાની પૂંજી રોકી. પરંતુ આ શુ ? કંપનીએ રજુ કરેલી આખે આખી બેલેન્સશીટ જુઠ્ઠી નીકળી. રોકાણકારો સહિત આર્થિક બજારના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. સત્યનું નામ ધારણ કરેલી આ કંપનીએ જાણે કે અસત્ય બોલવાનું જ વચન લીધું હોય એમ આખે આખી બેલેન્સશીટ ખોટી નીકળી અને લાખો રોકાણકારોને ડુબાડી ગઇ.

એક બાજુ વિશ્વમાં પ્રવર્તિ રહેલી આર્થિક મંદીના રેલાને દેશમાં આવતો રોકવા માટે સરકાર દ્રારા રાહત પેકેજ રૂપી થીંગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે દેશની ચોથા નંબરની કંપનીમાં કરાયેલ 8 હજાર કરોડના ગોટાળાએ સૌની આંખો ખોલી નાંખી છે. સરકાર તથા આર્થિક બાબતોનું ધ્યાન રાખતી એજન્સીઓ માટે આ ખતરાના ઘંટ સમાન છે. આ તો એક અસત્ય બહાર આવ્યું છે અન્ય એવી ઘણી કંપનીઓ હશે જેમાં ઓડિટર, સીએની મીલીભગતથી બધુ લોલમ લોલ ચાલતું હશે.

જો આ અંગે કોઇ નક્કર અને લાબી દ્રષ્ટ્રિવાળા પગલા લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં રોકાણકારો આગળ આવતાં ખચકાશે. રોકાણકારોનો વિશ્વાસ ડગવો એ દેશને મરણતોલ ફટકો પાડી શકે છે. દેશનું અર્થતંત્રને બચાવવા માટે આ દિશામાં કડક કાર્યવાહી તથા દિશા નિર્દેશનની તાતી જરૂર છે. નહીં તો સત્યમની જેમ અસત્યનો થાબળો ઓઢનારી કંપનીઓનો રાફડો ફાટી નીકળશે.....આ પણ વાંચો :