'સ્વાઈન ફ્લૂ' સામે સાબદું નેતૃત્વ જોઈએ...

સુરતની 'પ્લેગ' ની ઘટના બોધપાઠરૂપી

swine
W.D
W.D

આજે લોકો 'સ્વાઈન ફ્લૂ' ના ભયથી પલાયન કરવા લાગ્યાં છે. મૃત્યુના ડરે તેઓને પોતાનું ઘર અને શહેર છોડવા માટે લાચાર કરી દીધા છે. જતી ટ્રેનોના ડબ્બા હાલ ખાલી જોવા મળી રહ્યાં છે અને ત્યાંથી આવનારી ટ્રેનોમાં બેસવાની પણ જગ્યા મળતી નથી.

દેશના લોકોની આ પ્રકારની પલાયનવૃતિ 15 વર્ષ પૂર્વે જોવા મળેલી જ્યારે ગુજરાતના સૂરત શહેરમાં 'પ્લેગ' ની મહામારી ફેલાઈ હતી. કેવી રીતે ભૂલી શકાય સપ્ટેમ્બર-1994 નું એ વર્ષ જ્યારે એક સાથે 52 લોકો 'પ્લેગ' ની બીમારીને કારણે રિબાતા-રિબાતા ટપોટપ મોતને ઘાટ ઉતરી ગયાં તેમજ હજારો લોકોમાં આ બિમારીના લક્ષણો જોવા મળ્યાં.

આ રોગચાળાને જળમૂળથી ડામવા માટે અંસખ્ય ઉંદરોને હણવામાં આવ્યાં. શહેરના સીમાડાઓને બીએસએફની મદદથી સીલબંધ કરી દેવામાં આવ્યાં જેના કારણે ન તો કોઈ બહારથી અંદર પ્રવેશી શકતું અને ન તો કોઈ અંદરથી બહાર જઈ શકતું. જે લોકો સૂરત છોડીને જવા ઈચ્છતા હતાં તેઓને પહેલા તમામ તબીબી પરીક્ષણોમાં પસાર થવું પડતું અને એમાં પણ જો રિપોર્ટ પોઝીટીવ આવતો તો તેઓને રોકી દેવામાં આવતા અને બાદમાં ત્યાંની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવતાં. તેમ છતાં પણ આશરે 300000 લોકોએ પલાયન કરેલું.

લોકોના આવા અણધાર્યા પ્રવાસથી ન તો માત્ર ગુજરાત, ન તો માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ઘોર પ્રત્યાઘાત પડ્યાં. લોકોએ માની જ લીધેલું કે, હવે ક્યારેય પણ આ મહામારીમાંથી છુટકારો નહીં મળી શકે પરંતુ એવું ન બન્યું. થોડા સમયમાં જ સૂરત શહેર પોતાની 'સૂરત' માં આવી ગયું.

એ સમયના સુરતના મ્યુનિસિપલ કમિશનર એસ.આર.રાવની આગેવાનીમાં તેમની સમગ્ર ટીમ દિવસ-રાત જોયા વગર શહેરની સુરત બદલવામાં જોડાઈ ગઈ. આ તેમની અથાક મહેનતનું જ પરિણામ હતું કે, બે વર્ષ બાદ ઈંડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ અને ક્લચરર હેરિટેજે સુરતને ભારતનું બીજા નંબરનું 'સ્વચ્છ શહેર' જાહેર કર્યું. અહીં પ્રશ્ન એ જરૂર ઉભો થાય છે કે, એવું તે શ્રી રાવની ટીમે શું કર્યું ? જેના કારણે 'પ્લેગ' ની મહામારી અચાનક ગાયબ થઈ ગઈ ? તો જવાબ છે, કાર્યોનું વિકેન્દ્રિકરણ અને સંયુક્ત પ્રયાસોનું પરિણામ.

વર્ષ 1995 ના મે માસમાં શ્રી રાવની સમગ્ર ટીમે સુરતના તમામ નદી-નાળાઓ સાફ કરાવ્યાં, ગટરોમાં પાણીનું વહેણ વ્યવસ્થિત કરાવ્યું. નકામા ખાડા પૂરાવ્યાં, ઝુપડપટ્ટી વસવાટોમાંથી ગંદકી દૂર ભગાડી. ગુજરાત સરકારે આ તમામ કાર્યો પાછળ લાખો રૂપિયા ખર્ચ કર્યાં. અહીં એટલેથી સંતોષ ન માનતા રાવે નગર પ્રશાસનને હલાવી નાખ્યું. તમામ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવામાં આવી અને શહેરની સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવામાં આવી. 'લોક ફરિયાદ' નિવારણ કાર્યક્રમો યોજાયા. લોકોની ફરિયાદોને ધ્યાને લઈને જે કાર્યોને પૂર્ણ થવામાં છ મહિનાનો સમય લાગતો તે છ દિવસમાં થવા લાગ્યાં.

કદાચ 'સ્વાઈન ફ્લૂ' નામની આ ભયાનક બિમારી સુરતમાં આવેલા 'પ્લેગ' ની બીમારી કરતા ભયાનક સ્વરૂપ પણ લઈ શકે. કારણ કે, હજુ સુધી આ ભયાનક બિમારીના વિષાણુંથી લડવા માટે કોઈ દવા ન તો ભારત શોધી શક્યું છે ન તો કોઈ અન્ય રાષ્ટ્રો.અધુરામાં પુરુ આ બીમારીના ફેલાવામાં દિન-પ્રતિદિન ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. જે લોકો મહારાષ્ટ્ર અને પુણે છોડીને અન્ય શહેરો તરફ વળી રહ્યાં છે તેઓનું કોઈ પણ પ્રકારનું પરિક્ષણ કરવામાં આવતું નથી જેના કારણે અન્ય રાજ્યોમાં પણ આ બીમારીઓના વિષાણુંઓ પહોંચી રહ્યાં છે.

જનકસિંહ ઝાલા|
સાચે જ કદાચ હવે કુંભનિંદ્રામાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. જો ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય હજુ સુધી ઘોર નિંદ્રામાં ઉંઘતું રહ્યું તો એ સમય દૂર નથી જ્યારે એક ભયાનક વિપદા આપણી સામે આવીને ઉભી રહી જશે.
અહીં પણ જરૂર છે શ્રી એસ.આર.રાવ અને તેમની સમગ્ર ટીમ જેવા કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓની જેઓએ 15 વર્ષ પહેલા એક મહામારીનો પોતાના શહેરમાંથી નાશ કરી નાખ્યો હતો. જરૂર છે એક મહાન નેતૃત્વની જે 'સ્વાઈન ફ્લૂ' ની બીમારી સામે કોઈ કાર્તિંકારી પરિવર્તન લાવી શકે.


આ પણ વાંચો :