PM મોદીની વિદેશ યાત્રા પર એક વર્ષમાં 37 કરોડનો ખર્ચ, ઓસ્ટ્રેલિયાની યાત્રા સૌથી મોંઘી
લોકસભા ચૂંટણી 2014માં એનડીએએ બહુમત મેળવ્યા પછી નરેન્દ્ર મોદી દ્વારા સત્તા સાચવવા અને ભારત સાથે અન્ય દેશોના સંબંધો સુધારવા પર જોર આપ્યુ. આ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક દેશોનો પ્રવાસ કર્યો જેને કારણે તે વિપક્ષના નિશાન પર પણ રહ્યા. પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસને લઈને એક નવી વાત સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યાત્રાઓ પર એક વર્ષમાં લગભગ 37 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પ્રધાનમંત્રી મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સૌથી મોંઘો રહ્યો.
સૂચનાના અધિકાર હેઠળ આ વાતનો ખુલાસો થયો છે. 16 દેશોમાં બનેલ દૂતાવાસ તરફથી મળતી માહિતી મુજબ મોદીના પ્રવાસમાં એક વર્ષમાં 37.22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઉલ્લેખનીય છે કે જૂન 2014થી જૂન 2015 વચ્ચે મોદીએ 20 દેશોનો પ્રવાસ કર્યો. આ સંબંધમાં જ્યારે જાપાન, શ્રીલંકા, ફ્રાંસ અને દક્ષિણ કોરિયા પાસે માહિતી માંગવામાં આવી તો તેમણે ના પાડી દીધી.
અંગ્રેજી છાપુ ધ ટાઈમ્સ ઓફ ઈંડિયાની રિપોર્ટનુ માનીએ તો આરટીઆઈ એક્ટ હેઠળ રિટાયર્ડ આર્મી ઓફિસર લોકેશ બત્રાએ જુદા જુદા દૂતાવાસમાં અરજી કરીને પ્રધાનમંત્રીની યાત્રાની માહિતી માંગી હતી. જ્યારપછી આ વાત સામે આવી. છાપાનુ માનીએ તો મોદીની સૌથી મોંઘી યાત્રા ઓસ્ટ્રેલિયા, જર્મની અને ચીનની રહી. બીજી બાજુ સૌથી ઓછા ખર્ચવાળી યાત્રા ભૂતાનની રહી. અહી કુલ 41.33 લાખ રૂપિયા ખર્ચ થયા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મોદી અને તેમના ડેલીગેશન માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવા માટે 5.60 લાખ રૂપિયા ખર્ચ થયા જ્યારે કે ભાડાની કાર લેવામાં 2.40 કરોડ રૂપિયા ખર્ચ થયા.