હાર્દિક પંડ્યા : ટી 20 વર્લ્ડ કપમાંથી પરત આવતા મુંબઈ ઍરપોર્ટ પર હાર્દિક પંડ્યા પાસેથી પાંચ કરોડની ઘડિયાળો મળી હતી?
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઍરપોર્ટ પરથી તેમની પાસેથી પાંચ કરોડની બે ઘડિયાળ મળી હોવાના દાવાને ફગાવ્યો છે.
એનડીટીવીના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે દુબઈથી પરત ફરતા તેમની પાસેથી માત્ર દોઢ કરોડની ઘડિયાળને તેની કિંમતના સાચા આકલન માટે લેવામાં આવી.
મંગળવારે સમાચાર સંસ્થા એએનઆઈએ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા પાસેથી કસ્ટમ વિભાગે બે ઘડિયાળ રવિવારે રાત્રે જપ્ત કરી હતી કારણ કે હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળોના બિલ નહોતાં.
ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું જાતે મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ વિભાગના કાઉન્ટર પર મારા દ્વારા લાવવામાં આવેલી વસ્તુઓનું ડિક્લેરેશન કરવા અને જરૂરી કસ્ટમ ડ્યુટી ભરવા માટે ગયો હતો. સોશિયલ મીડિયા પર મારા ડિક્લેરેશન અંગે ખોટી વાતો ફેલાઈ રહી છે, હું આ અંગે સ્પષ્ટતા કરવા માગું છું.
તેમણે આગળ લખ્યું છે કે મેં દુબઈથી કાયદેસર ખરીદેલી વસ્તુઓના ડિક્લેરેશન માટે જાતે જ કસ્ટમ વિભાગ પાસે હું ગયો હતો અને જરૂરી ડ્યુટી ભરવા માટે તૈયાર હતો. કસ્ટમ વિભાગે ખરીદીના બધા દસ્તાવેજ માગ્યા હતા જે રજૂ કરવામાં આવ્યા હતા, કસ્ટમ વિભાગ વસ્તુઓની કિંમતનું આકલન કરે છે જેથી યોગ્ય ડ્યુટી નક્કી કરી શકાય, અને મેં ડ્યુટી ભરવાની તૈયારી પહેલાં બતાવી છે.