સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (16:09 IST)

કોલકતામાં ડૉક્ટરના રેપ-મર્ડરની વિરુદ્ધમાં થઈ રહેલાં પ્રદર્શનો પર પોલીસનો લાઠીચાર્જ

kolkata protest
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં 31 વર્ષની વયનાં ટ્રેઈની ડૉક્ટર ઉપર બળાત્કાર અને બાદમાં હત્યાની ઘટનાના વિરોધમાં માર્ચ કાઢવામાં આવી હતી.
 
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, માર્ચ કાઢી રહેલા લોકો સૌથી પહેલાં સાંત્રાગાચી વિસ્તારમાં એકત્ર થયા હતા. ત્યારબાદ તેમણે કૉલેજ ચૉકથી રાજ્ય સચિવાલય તરફ માર્ચ શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે આ માર્ચને કાબુમાં લેવા માટે પોલીસને તહેનાત કરી હતી.
 
માર્ચમાં સામેલ પ્રદર્શનકારીઓ હાવડા બ્રિજ પર પોલીસ બેરિકેડની ઉપર ચઢીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જોકે, કોલકતા પોલીસે હાવડા બ્રિજ પર માર્ચ કરી રહેલા લોકો પર આંસુ ગૅસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો હતો.
 
ઘણા વિદ્યાર્થીઓ અને નાગરિકો માર્ચમાં તિરંગો લઈને જોડાયા હતા અને તેઓ રાજ્ય સચિવાલય તરફ માર્ચ દરમિયાન સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા.
 
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે શાંતિપૂર્વક માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓને રોકવા માટે બળપ્રયોગ ન કરો.
 
તેમણે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણયની યાદ અપાવીને કહ્યું કે બહુમતી લોકતંત્રનો અવાજ બંધ ન કરી શકે.
 
કોલકતા પોલીસનાં ઍડિશનલ પોલીસ કમિશનર સુપ્રતિમ સરકારે સોમવારે કહ્યું હતું, “અમે ‘પશ્ચિમબંગા છાત્ર સમાજ’ની માર્ચ કરવાની પરવાનગી માગતી અરજીને રદ કરી છે. કારણ કે તેમણે આ માટે જરૂરી માહિતી આપી ન હતી.”
 
કોલકતાની આર. જી. કર મેડિકલ કૉલેજનાં જુનિયર ડૉક્ટર નવમી ઑગસ્ટે નાઇટ શિફ્ટ કરતી વખતે ઇમારતના સેમિનાર હૉલમાં આરામ કરતાં હતાં ત્યારે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.