પહેલગામના ગુનેગારોને ધૂળમાં દફનાવી દેવામાં આવશે, તેમને કલ્પના કરતા પણ મોટી સજા મળશે", પીએમ મોદીએ મધુબનીમાં બરસ્યા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલા પછી પીએમ મોદી ગુરુવારે બિહારના મધુબનીમાં પહેલી વખત કોઈ જાહેર કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ કાર્યક્રમમાં પહલગામ હુમલા અંગે મોદીએ કહ્યું કે, "હુમલો કરનારા આતંકવાદીઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે."
મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ પોતાના ભાષણ અગાઉ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે કહ્યું, "આજે બિહારની ધરતીથી સમગ્ર દુનિયાને સંદેશ આપું છું કે ભારત દરેક આતંકીને ઓળખીને, શોધીને સજા આપશે અને તેને સમર્થન આપનારને પણ સજા આપશે. અમે તેમને દુનિયાના અંતિમ છેડા સુધી છોડીશું નહીં. આતંકવાદ ક્યારેય ભારતના આત્માને નહીં તોડી શકે."
"આતંકવાદને સજા આપ્યા વગર છોડવામાં નહીં આવે. ન્યાય માટે જે પ્રયાસ થવા જોઈએ તે કરવામાં આવશે. આખો દેશ આ સંકલ્પમાં એક સાથે છે. માનવતામાં વિશ્વાસ રાખતી દરેક વ્યક્તિ આપણી સાથે છે. હું અલગ-અલગ દેશો અને તેમના લોકોનો આભાર માનું છું જેઓ અમારી સાથે છે."
તેમણે કહ્યું કે, "આતંકીઓએ નિર્દોષ દેશવાસીઓને જે રીતે બેરહેમીથી માર્યા છે તેનાથી આખો દેશ વ્યથિત છે. આ આતંકી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો અને કોઈએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે. આખો દેશ પીડિતોની પડખે ઊભો છે."
તેમણે કહ્યું કે, "આ હુમલો માત્ર નિઃશસ્ત્ર પર્યટકો પર નથી થયો, દેશના દુશ્મનોએ ભારતના આત્મા પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે. હું સ્પષ્ટ રીતે કહું છું કે જેમણે આ હુમલો કર્યો છે તે આતંકીઓને તથા હુમલાનું ષડયંત્ર રચનારને તેમની કલ્પના કરતા મોટી સજા મળશે."