શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (08:53 IST)

રાજસ્થાનમાં રાજકીય ઘમસાણ, અશોક ગેહલોત અને સચીન પાઇલટના સમર્થકો સામસામે

રાજસ્થાનમાં ચાલી રહેલા હાઈપ્રોફાઇલ રાજનીતિક ડ્રામામાં વિપક્ષી દળ ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે.
 
ભાજપના પ્રદેશ અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું કે ભગવાન રાજસ્થાનની રક્ષા કરે.
 
ત્યારે રાજસ્થાન ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કરીને કહ્યું કે રાજસ્થાનની હાલત રાષ્ટ્રપતિ શાસન તરફ ઇશારો કરી રહી છે.
 
તેમણે લખ્યું, ''રાજસ્થાનમાં વર્તમાન રાજનીતિક પરિસ્થિતિ રાષ્ટ્રપતિ શાસન તરફ ઇશારો કરી રહી છે. મુખ્ય મંત્રી અશોક ગેહલોતજી, તમે કેમ નાટક કરી રહ્યા છો. મંત્રી મંડળના રાજીનામા બાદહવે કેટલી વાર. તમે પણ રાજીનામું આપો.''
 
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ફરી એક વાર મુખ્ય મંત્રીપદને લઈને પ્રદેશ કૉંગ્રેસની જૂથબંધી સામે આવી હતી. સચીન પાઇલટના સમર્થક ધારાસભ્યો તેમને મુખ્ય મંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે.
 
જયપુરથી બીબીસીના સહયોગી મોહરસિંહ મીણાના જણાવ્યા અનુસાર, મુખ્ય મંત્રી અશોક ગેહલોતના સમર્થકો વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સીપી જોશીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
 
ગેહલોત સમર્થક ધારાસભ્યોની ઇચ્છા છે કે ગેહલોત મુખ્ય મંત્રી રહે અને તેમના નેતૃત્વમાં જ આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવે.
 
આ પહેલાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતે હોટલ મૅરિયટમાં મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનની મુલાકાત લીધી હતી. 
 
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યાર બાદ તેઓ વિધાનસભા અધ્યક્ષ ડૉ. સીપી જોશીના ઘર બહાર એકઠા થયા હતા.
 
સીપી જોશીના ઘરે જતા પહેલાં રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું, "તમામ ધારાસભ્યો ગુસ્સામાં છે અને રાજીનામું આપી રહ્યા છે. અમે એ માટે જ અધ્યક્ષના ઘરે જઈ રહ્યા છીએ. ધારાસભ્યો એ વાતથી હતાશ છે કે મુખ્ય મંત્રી અશોક ગેહલોત તેમની સલાહ વગર આ નિર્ણય કેવી રીતે લઈ શકે?"
સમાચાર એજન્સી એએનઆઈએ કૉંગ્રેસ ધારાસભ્ય પ્રતાપસિંહ ખાચરિયાવાસને ટાંકીને જણાવ્યું છે કે માત્ર 10-15 ધારાસભ્યોનું જ સાંભળવામાં આવ્યું અને અન્યોની ઉપેક્ષા કરવામાં આવી છે.