બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 14 જૂન 2021 (16:59 IST)

ગુજરાતની ચૂંટણીની તૈયારઓ શરૂ, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી થઇ એક્ટિવ

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે, તો બીજી તરફ પ્રશાંત કિશોર કોંગ્રેસના રણનિતિકાર બની શકે છે. નબળી નેતાગીરી અને સતત આંતરિક જૂથવાદના કારણે તૂટતી જતી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે હાઇકમાન્ડ પ્રશાંત કિશોરને જવાબદારી સોંપી શકે છે.
 
તો આ તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ તાબડતોડ બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે. થોડા દિવસો અગાઉ ભાજપ પ્રદેશ પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ભાજપના સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠકો યોજી હતી, આ મીટિંગ બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યાતાએ જોર પકડ્યું હતું. સંગઠન નેતાઓથી લઈને રાજ્યમાં કેબીનેટ મંત્રીઓમાં પણ ફેરફારો થવાની શક્યતાઓ જોવા મળી રહી હતી. 
 
ત્યારે આવતી કાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. જેમાં ભાજપના ધારાસભ્યો તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકને 2022ની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે. 
 
કોરોનાની બીજી લહેરમાં લોકોમા સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો જેને કારણે ઠેર ઠેર સરકારની ટીકા થઇ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં પ્રજા સમક્ષ કેવા પ્રકારના મુદ્દાઓ લઇને જઇ શકાય જેથી સરકારની અને ભાજપની છબીમાં સુધારો થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવશે. ધારાસભ્યોને કયા ક્યા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જવું તેમજ સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.