શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (18:54 IST)

સુરતમાં પથ્થરમારા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો,

surat
શહેરના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર 6 મુસ્લિમ કિશોરોએ રિક્ષામાં આવી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. આ મામલે 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને માહોલ શાંતિપૂર્ણ છે. જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવીને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા. 
 
પથ્થર ફેંકનાર વ્યક્તિ સૌથી મોટો સામાજિક ગુનેગાર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે. આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે, આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે. પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈપણ સમાજનો હોય. એને કોઈપણ પ્રકારની લાગણી, કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે. પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર કઈ રીતે આવી શકે. 
 
યુવાનોને સાચી દિશા આપવી આપણી જવાબદારી છે
તેમણે વધુમાં કહ્યું હતું કે, મારી સમાજને અપીલ છે કે, આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી આપણી જવાબદારી છે કે, સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર પછી તે મદ્રેસા હોય, મસ્જિદ હોય, મુસ્લિમ સમાજના અલગ અલગ સંગઠનોમાં આપણને સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોને એક જવાબદારી છે કે, કોઈ યુવાન ખોટા માર્ગે ભટક્યો હોય તો તેને સમજાવવો જોઈએ. પથ્થર કોઈપણ જગ્યાએ ફેંકનાર કોઈપણ સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી. ચાલુ તપાસમાં હું કોઈપણ પ્રકારના નિવેદન આપતો નથી. પોલીસને વિનંતી છે કે, કાર્યવાહી દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિ ફસાય નહીં તેનું ધ્યાન રાખજો. 
 
છેલ્લા 2 દિવસમાં સુરત અને કઠલાલમાં બે બનાવો બન્યા
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસમાં સુરત અને કઠલાલમાં બે બનાવો બન્યા છે. સુરતમાં ઘટના બનતાની સાથે જ સિનિયર પોલીસ અધિકારી પહોંચી ગયા અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવી દીધી છે. કોઈપણ અશાંતિ ફેલાવવા પ્રયત્ન કરે તેને ચાલવી લેવામાં નહિ આવે, કડકમાં કડક કાર્યવાહી કરાશે. સુરતમાં વધારાની એસઆરપી મોકલી છે. 16મીએ ઈદ મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જન છે. બંને તહેવારો સારી રીતે અને શાંતિથી પસાર થાય તે માટે ગુજરાત પોલીસ તૈયાર છે.