સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (10:22 IST)

પ્રાચીન સમયનો ગરબો ધૂમતો ધૂમતો આજે વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવમાં ફેરવાયો !

જગતજનની જગદંબા માતા આદ્યશક્તિની પૂર્જા-અર્ચના અને તેમના પ્રત્યેના ભક્તિ-ભાવને ગરબાના તાલે વ્યકત કરવાના પાવન પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજથી એટલે કે ગુજરાતી કેલેન્ડર મુજબ વર્ષના આ અંતિમ એવા આસો કે આશ્વિન મહિનાના પ્રથમ દિવસ આસો સુદ એકમથી શરૂ કરી આસો સુદ નોમ સુધી નવ દિવસ મા આદ્યશક્તિના વિવિધ નવ સ્વરૂપો અંબા, આશાપુરા, ચામુંડા, મહાકાળી, બહુચર વગેરે દેવીઓની આરાધના અને પૂજા-અર્ચના કરવાના આ પાવન પર્વમાં રાજ્યના તદ્દન છેવાડાના ગામડાથી લઈને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરમાં વસતા આબાલ-વૃદ્ધ સહુ ગરબાના તાલે થિરકી ઉઠશે. પ્રાચીન ગુજરાતનો ગરબો અર્વાચીન ગુજરાતમાં નવ દિવસ સુધી ચાલતો નવરાત્રિ મહોત્સવમાં પરિવર્તિત થયો છે અને આ નવરાત્રિ મહોત્સવ હવે વિશ્વના એકમાત્ર સૌથી લાંબા ચાલતા સામૂહિક નૃત્યોત્સવ તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યો છે. નવરાત્રિમાં રમાતો ગરબો એ આમ તો ઘણો પ્રાચીન છે એટલે કહી શકાય કે ગરબો એ પ્રાચીનકાળથી રમાતો આવ્યો હશે પણ એના સ્વરૂપ અને રમવાની શૈલિમાં સમયાંતરે ફેરફારો થતા આવ્યા છે અને આજે તે વિવિધ સ્વરૂપે અને અવનવી સ્ટાઈલ અને સ્ટેપ્સથી રમાતો આધુનિક ગરબો એટલે કે નવરાત્રિ મહોત્સવ તરીકે જાણીતો બન્યો છે.
ગરબાની ઉત્પત્તિ
ગરબાનો શબ્દશ: અર્થ જોઈએ તો “ગરબો” એ મૂળ “ગર્ભદીપ” શબ્દ પરથી અપભ્રંશ થઈને આવેલ અર્વાચીન શબ્દ છે. ગર્ભદીપ એટલે ગર્ભ એટલે કે નાના ઘડુલા જેવા આકારનું એક પાત્ર જેના પોલાણવાળા ભાગ એટલે કે ગર્ભની અંદર ઘીનો એક નાનકડો દીવડો પ્રગટાવવામાં આવે છે. આ દીવડો ઓલવાઈ ન જાય અને તેના કિરણો ચારે બાજુ પ્રકાશ રેલાવી શોભાયમાન થાય તે માટે ઘડુલાની દિવાલમાં નાના નાના કાણાં પાડેલા હોય છે જેને ગરભો અથવા તો હવે તેને ગરબો કહેવામાં આવે છે એમ માનવામાં આવે છે. નવરાત્રિમાં આ ગરબાને માતાજીની માંડવીમાં રાખવામાં આવે છે અને માતાજી પ્રત્યેની આરાધના અને ભક્તિભાવને વ્યકત કરવા લોકો તેને ફરતે ગાતા-ગાતા તાળી પાડીને રાસ રમે છે. જેને નાદ અને નર્તન કહેવામાં આવે છે આ નાદ (એટલે કે ગાયન) અને નર્તન (એટલે કે નૃત્ય) વડે લોકો માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરતા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગાવા માટે જુદા જુદા ગીતો લખાતા ગયા જે પણ હવે ગરબા તરીકે ઓળખાવા લાગ્યા અને નર્તન એટલે કે નૃત્ય એટલે કે માતાજીની માંડવી ફરતે નૃત્ય કરતા કરતા ઘૂમવાની શૈલિમાં પણ સમય જતા પરિવર્તન આવતું ગયું અને તેમાં વિવિધ શરીરના વિવિધ અંગોની અંગભંગિમાઓ ઉમેરાતી ગઈ અને આ રીતે આજે તેનું સ્વરૂપ બદલાઈને નવરાત્રિના આધુનિક ગરબામાં પરિવર્તિત થયું છે.

આરાધ્યભાવ અને ભક્તિભાવથી છલોછલ પ્રાચીન ગરબીઓ
પ્રાચીન સમયમાં નવરાત્રિનો પ્રારંભ કેવી રીતે થયો હશે એના પર એક નજર કરીએ તો નવરાત્રિનો સમય આસો માસના શરૂઆતના નવ દિવસ છે એ જોતા એવું લાગે છે કે આ સમયે ચોમાસાએ લગભગ વિદાય લઈ લીધી હોય છે એમ કહી શકાય અને આસો માસ આવતા સુધીમાં ખેડૂતોએ તેમના ખેતરમાં વાવેલ પાકો પાકવાની અને તેને લણવાની એટલે કે કાપવાની તૈયારીમાં હોય છે. આ તૈયાર થયેલ પાકોને ખેતરમાંથી લણીને ઘેર લાવતા ખેડૂતો અત્યંત ખુશખુશાલ અને આનંદિત હોય છે અને તેમના તૈયાર થયેલ પાક હેમખેમ ઘેર પહોંચાડવા બદલ અને પછીના વર્ષ માટે તેમની આજીવિકા રળી આપવા બદલ ખેડૂતો ભેગા મળીને નાચી-ગાઈને દેવી-દેવતાઓની વંદના અને આરાધના કરતા હતા એમ માનવામાં આવે છે અને તેમાંથી સામૂહિક લોકનૃત્યના એક પ્રકારની ઉત્પત્તિ થઈ અને તેમાંથી માતાજીનો ગરબો અને તેમાંથી નવ દિવસના નવરાત્રિ પર્વનો ઉદભવ થયો હશે એમ કહી શકાય. પ્રચીન સમયમાં એ વખતે ખેડૂત પરિવારના સ્ત્રી-પુરૂષો અને તેમની સાથે ખેતીકામ કરતા અન્ય સ્ત્રી-પુરૂષો સામૂહિક નૃત્યમાં એકસમાન અંગભંગિમા, એકસમાન ગતિ, એકસમાન તાલ અને ચપળતા સાથે ગરબા હતા જેમાં હાથની તાલીઓના તાલ અને સંગીતના સૂર સાથે પગના ઠેકા લઈને માતાજીની માંડવી ફરતે ગરબા ધૂમતા હતા. એ સમયે ગવાતી પ્રાચીન ગરબીઓની રચના એ સમયના મેઘાવી કવિ-સર્જકો સર્વ શ્રી દયારામ, શામળ, પ્રીતમ, પ્રેમાનંદ, ભાણદાસ, અંબારામ, દેવાનંદ વગેરેએ કરી હતી જેમાં મુખ્યત્વે આદ્યશક્તિ માતાજી તરફ અહોભાવ અને ભક્તિ પ્રદર્શિત કરવા તેમના ગુણગાન ગાવામાં આવ્યા હતા. તેમની મુખ્ય ગરબીઓમાં અંબા અભયપદ દાયિની રે, ચપટી ભરી ચોખાને ઘીનો દીવડો, અમે મૈયારા રે, મારો સોનાનો ઘડુલો રે, માનો ગરબો રે રમે રાજને દરબાર, રંગતાળી રંગતાળી, આવેલ આશા ભર્યા વગેરે છે. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને ચપટી એમ વિવિધ પ્રકારે ગરબા રમાતા હતા. પ્રાચીન ગરબાની ખાસિયત એ હતી કે એમાં ગાયન, રાગ, સૂર, તાલ, લયની સાથે સાથે માતાજી તરફના ભક્તિભાવનું પણ એટલું જ મહત્ત્વ હતું.

નવરાત્રિ હવે પ્રોફેશનલ બની
આધુનિક સમયમાં આજે નવરાત્રિ એકદમ પ્રોફેશનલ સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રાચીન સમયમાં રમાતા શેરી ગરબાઓનું સ્થાન પછી ગામના ચોકમાં આવ્યું અને ત્યાંથી સોસાયટીમાં અને સોસાયટીમાંથી પાર્ટી પ્લોટમાં અને ફાર્મ હાઉસમાં હાઈ-ડેફિનેશન સંગીતના સૂરોની સૂરાવલિના તાલે નવરાત્રિનું આયોજન થવા માંડ્યું જેનો ભરપૂર લાભ પ્રોફેશનલ આયોજકો અને સ્પોન્સર્સ લેવા માંડ્યા અને તેમાંથી ધીંગી કમાણી કરવા લાગ્યા. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં નવરાત્રિનું આયોજન હવે પ્રોફેશનલ રીતે થાય છે અને નવરાત્રિ મહોત્સવને પ્રોત્સાહન આપવા અને તેની ખ્યાતિને આગળ ધપાવવા હવે ખુદ સરકાર પણ રાજ્યકક્ષાના નવરાત્રિ મહોત્સવનું આયોજન હાથ ધરે છે અને દેશભરના નામાંકિત કલાકારોને તેમાં આમંત્રણ આપી તેમની કલાની કદર કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી આ બિઝનેસ ટાઈકૂનો માટે સાવ નિરસ રહેતી હતી. તેમની આ નિરસતા દૂર કરવા સરકારે નવરાત્રિ વેકેશન જાહેર કરી દીધુ જેથી યુવાધન નવરાત્રિમાં મન મૂકીને ગરબે રમી શકે અને બિઝનેસ ટાઈકૂનો આ નવરાત્રિને વધુ પ્રોફેશનલ ટચ આપીને વિશેષ આયોજનોના નામે તેમની પાસેથી રૂપિયા ખંખેરી શકે.