ભાજપથી પાટીદારોના દૂર થવા અંગે પાસના નેતાઓએ કારણો રજુ કર્યાં
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી પાટીદારો અનામત માટેનું આંદોલન ચલાવી રહ્યાં છે. હવે વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી ગઈ છે. ત્યારે આખરે એવું શું બન્યું કે ભાજપની મહત્વની મતબેંક ગણાતા પાટીદારો ભાજપથી દૂર થવા માંડ્યાં? પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ જાહેરમાં ભાજપ વિરોધી નિવેદનો કરીને ભાજપને આ વખતે પાડી દેવાની વાતો કરે છે ત્યારે તેને કોંગ્રેસનો એજન્ટ કહેવામાં આવે છે, તે ઉપરાંત તેના જ સમાજના વિવિધ ફાઉન્ડેશનના આગેવાનો પણ તે પ્રાઈવેટ આંદોલન ચલાવી રહ્યો છે એવું જાહેરમાં કહી રહ્યાં છે. ત્યારે હવે ભાજપને જે ડર સતાવી રહ્યો છે તે પાટીદારો ભાજપથી કેમ દૂર થયાં તેના કારણો ખુદ પાસના નેતાઓએ જાહેર કર્યા છે. રાજકોટ પાસના કન્વીનર બ્રિજેશ પટેલે 12 જેટલા કારણો જણાવ્યા હતા.
અનામત આંદોલનની રેલી દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં એકઠા થયેલા પાટીદારો અને મહિલાઓ પર પોલીસનો બેફામ લાઠીચાર્જ. આંદોલન વખતે થયેલા તોફાનોમાં પોલીસ ફાયરિંગ અને પોલીસનું અત્યાચારી દમન. અનામતની માગણી વ્યાજબી હોવા છતાં સરકાર દ્રારા હકારાત્મક પ્રતિભાવ ન મળ્યો. યુવાનો પર ખોટા કેસ કર્યા તેમજ રાષ્ટ્રદ્રોહનાં ખોટા કેસ કરી યુવાનોને જેલ ભેગા કર્યા. પાટીદાર નેતાઓએ આંદોલનને સહકાર ન આપ્યો અને આંદોલન વિશે બેફામ વાણી વિલાસ કર્યો. સમાજનાં નેતાઓ, ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, અને સમાજના ઉધોગપતિઓ દ્રારા પોતાના અંગત સ્વાર્થ માટે સમાધાનનાં નિરર્થક પ્રયત્નો. હાર્દિક આંદોલનનો મુખ્ય ચહેરો છે.તેની સાથે સમગ્ર સમાજ જોડાયેલો છે. સમાજનાં નેતાઓ દ્રારા હાર્દિક પરના ખોટા આક્ષેપો તેમજ આંદોલન કચડી નાખવાના નિરર્થક પ્રયત્નો.મતલબ સમાજ સાથે વિરોધ. પાટીદાર નેતાઓ દ્રારા હાર્દિકની લોકપ્રિયતા સહન ન થતા તેનાં પર જાતજાતના આક્ષેપો. હાર્દિક સાથે 90% સમાજ જોડાયેલ છે.હાર્દિકનો વિરોધ મતલબ સમાજ નો વિરોધ.હાર્દિકની શકિતને ઓળખી ન શક્યા. સરકાર દ્રારા અનામતનું નિરાકરણ લાવવાની જગ્યાએ આંદોલન તોડવાના નિષ્ફળ પ્રયાસો. સરકાર દ્રારા પાસના કન્વીનરો ને કરોડો રૂપિયા આપી ખરીદવાનાં પ્રયત્ન. આંદોલનનો વિરોધ મતલબ સમાજ નો વિરોધ. જે લોકો ભાજપ સાથે છે તે લોકો સમાજની સામે છે. એવી ધારણા સમાજમા બંધાણી. ઉપરના તમામ કારણોને લીધે સમાજ ભાજપથી દૂર થયો એટલું જ નહી સમાજનાં રોષનો ભોગ બનવું પડયું અને સમાજે નક્કી કર્યું છે કે આ વખતે 2017ની ચૂંટણીમા બસ હવે પાડી દો, પાડી દો, પાડી દો.