Last Modified: અમદાવાદઃ , શનિવાર, 19 માર્ચ 2016 (17:58 IST)
પાટીદાર આંદોલનના 29 મુદા
એકબાજુ સરકાર પાટીદારો સાથે સમાધાનનો દાવો કરી રહી છે, બીજી તરફ પાટીદાર અનામત આંદોલનમાં જેલમાં બંધ પાટીદાર આંદોલનકારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના પ્રમુખ લાલજી પટેલે પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી અને તેને પણ 29 મુદ્દા સરકારને આપ્યા હતા અને તે મુદ્દે સમાધાનની વાત કરી હતી. ત્યારે હવે લાલજી પટેલે સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે. લાલજી પટેલે હુંકાર કર્યો છે કે, 29 મુદ્દાની માગ સંતોષવામાં નહીં આવે તો પૂરા ગુજરાતમાં જેલભરો આંદોલન કરવામાં આવશે.
આ સાથે જેલભરો આંદોલનની તારીખ પણ આપવામાં આવી છે. જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી 17મી એપ્રિલે મહેસાણામાં સવારે 11 વાગ્યાથી જેલભરો આંદોલન શરૂ કરવામાં આવશે, તેવી ચિમકી લાલજી પટેલે ઉચ્ચારી છે. આ સાથે હાર્દિક સહિતના પાટીદારોને જેલમાંથી મુક્ત કરવાની માગણી પણ કરવામાં આવશે. ક્યા ક્યા છે મુદ્દા?
1. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં રહેલા તમામ પાટીદારોને જેલમુક્ત કરવા અને તેમાં સરકારી પક્ષ કુણું વલણ દાખવે.
2. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર ભાઈઓ પર થયેલા કેસ પરત લેવા.
3.આર્થિક મધ્યમ અને ગરીબ પાટીદાર પરિવારો માટે અનામત(એબીસી, ઓબીસી કે અન્ય)આપો
4. તમાર જ્ઞાતિઓનો આર્થિક, શૈક્ષણિક અને રોજગાર સર્વે કરાવો અને આ સર્વેને આધારે રાજ્ય સરકાર તરફથી કરાતી ભરતીમાં લાભ આપો.
5.પાટીદાર સમાજના આર્થિક નબળા પાટીદાર વર્ગ માટે ઠાકોર-કોળી આયોગની જેમ પાટીદાર આયોગની રચના કરવી.
6. અનામત સંદર્ભે વંશપરંપરાગત લાભો બંધ કરવા. શિક્ષણ, રોજગાર, નોકરી, બઢતી પૈકી કોઈ પણ એકમાં જ અનામતનો લાભ આપવો. અનામતનો લાભ લેનારને પોતાની જ્ઞાતિના વિસ્તારમાં ફરજિયાત પાંચ વર્ષ સુધી સેવા આપવાની ફરજ પાડવી. તેના માટે 5 લાખથી વધુના બોંડ લેવા.
7. વર્ગ-1, 2, ડોક્ટર, વકીલ, મંત્રી, જજ વગેરે ઉચ્ચ હોદ્દા પર બેઠેલાઓના સંતાનોને અનામતનો લાભ બંધ કરવો.
8. વર્ગ-1 અને 2માં બઢતીમાં રોસ્ટર પ્રથા બંધ કરવી.
9. ફિક્સ પગાર નીતિ બંધ કરવી અથવા માત્ર એક વર્ષ માટે ફિક્સ પગારની નીતિ અપનાવવી.
10. ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તેમના પરિવારોને સરકારી લાભો, અનામત બંધ કરવા.
11. નોકરી અને પ્રવેશમાં વય મર્યાદામાં છૂટછાટ બંધ કરવી.
12.પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અનામત બંધ કરવી.
13. સરકારી શાળા-કોલેજોની સંખ્યા વધારવી
14. અનામતનો લાભ લઈને સમૃદ્ધ બનેલા પરિવારને અનામતનો લાભ ન આપવો.
15. આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારોમાંથી કોઈ એકને સરકારી નોકરી અને યોગ્ય વળતર અને ઇજાગ્રસ્ત વ્યક્તિને મેડિકલ ખર્ચ આપવો.
16.કૃષિ પેદાશોના ભાવ ફૂગાવા પ્રમાણે નક્કી કરી, પોષણ ક્ષમ ભાવ આપવા.
17. ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓના અસરકારક અમલ માટે વચેટિયાઓને દૂર કરી સરકારી અધિકારીઓનો ભ્રષ્ટાચાર રોકવો.
18. ગ્રામીણ પરિવારોની કન્યાઓ માટે વિશેષ શૈક્ષણિક રોજગાર તાલિમ કેન્દ્રો, આરોગ્ય સુવિધાઓ ઊભી કરવી કે, જેથી ભ્રુણ હત્યા અટકે.
19 ગૌચરની જમીનનો દૂરુપયોગ રોકવો.
20. પશુ પાલન અને સજીવ ખેતીના પ્રોત્સાહન માટે વિશેષ આયોજન કરવું.
21. કૃષિની જમીન આસપાસ થતાં ઉદ્યોગોના વ્યાપને રોકવો.
22. ખેતીની જમીનને પશુઓથી બચાવવા રક્ષણ માટે વાડ બનાવવા સહાય આપવી.
23. જમીન અધિગ્રહણ માટે 80 ટકા ખેડૂતોની મંજૂરી ફરજિયાત બનાવવી.
24. કૃષિમાં વીજ જોડાણની પ્રક્રિયા ઝડપી બનાવવી, દિવસે વિજળી આપવી.
25. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેત પેદાશોની નિકાસ માટે પરિક્ષણ કરવા લેબોરેટરીઓ બનાવવી.
26. સિંચાઇ માટે તમામ ડેમ, ચેક ડેમ, તળાવમાં નર્મદાના નીર આપવા. નર્મદાની પેટા કેનાલનું કામ ઝડપી બનાવી, ખેતીને બારેમાસ પાણી મળે, તેવું આયોજન કરવું.
27.ગ્રામીણ વિસ્તારમાં યુવાનો માટે વિકાસના સરકારી કામોમાં ભાગીદારી વધારવી અને એ રીતે રોજગારની સમસ્યા ઉકેલવી.
28 ગ્રામ્ય વિસ્તારોમાં નશાકારક દ્રવ્યોનો વ્યાપ બંધ કરવો.
29.સ્વાવલંબન યોજનામાં અનામત વર્ગને લાગુ પડતી તમામ યોજનાઓ લાગુ પાડવી. આવક મર્યાદા 6 લાખ કરવી. ટકાવારી 80 ટકા કરવી. વર્ષે બે લાખની સહાય મર્યાદ વધારી. આર્યુવેદ, ડેન્ટલ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીમાં સહાય આપવી.