1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2017 (13:01 IST)

'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે' ની હાર્દિક પટેલની સિંહગર્જના

નરેન્દ્ર મોદી અને અમીત શાહની ભાજપ સરકારે ૨૫ વર્ષથી પાટીદાર સમાજના વોટ અને નોટનો દુરુપયોગ કર્યો છે એ હવે નહીં થવા દઇએ. હવે સમય પાકી ગયો છે અને આવનારી ચૂંટણીમાં આપણે જડબાતોડ જવાબ આપવાનો છે. એવો આક્રોશ આજે બાબરામાં યોજાયેલી ક્રાંતિસભામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલે ઠાલવીને જોરદાર શાબ્દિક ચાબખા માર્યા હતા. 'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે' ની સિંહગર્જના સાથે વિશાળ જનમેદનીને સંબોધતા વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર જે વિકાસની વાતો કરીને જશ ખારવાનો પ્રયાસ કરે છે એ તો આપણી જ પરસેવો પાડીને કરેલી મહેનતનું પરિણામ છે.

ભાજપ સરકારે તો નોટબંધી લાદીને માનવવધ જેવું અને જીએસટી ઠોકી બેસાડીને માનવદંડ જેવું કૃત્ય કર્યુ છે. ગુજરાત સરકારનું દેણું ૩૦ હજાર કરોડમાંથી અત્યારે ૩ લાખ કરોડે પહોંચ્યું છે. અને વિકાસની વાતો કરે છે. અવનવા તાયફા સાથે ૩૬ પ્રકારના રેલી રથ કાઢવા છતાં સફળ નહીં થતા હવે ગૌરવયાત્રા કાઢી છે. પાસના અન્ય આગેવાનોએ જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન તો સમુદ્ર મંથન સમાન છે. સારા-નરસાનો ભેદ બહાર આવી ગયો છે. નઠારા ઠરેલા પાટીદાર સમાજના ૪૪ ધારાસભ્યોના અહંકારનો વધ હવે આગામી ચૂંટણીમાં કરીને બતાવશું. બાબરા તાલુકા પાટીદાર સમાજ અને પાસ યોજીત ક્રાંતિસભાના પ્રસંગ પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.