Last Modified: અમદાવાદઃ , સોમવાર, 11 એપ્રિલ 2016 (13:43 IST)
પાટીદારોનું શક્તિપ્રદર્શન 29મી મે ના રોજ, સરકારે કેમ આપવી જ પડશે મંજૂરી?
હાર્દિક પટેલે 25 ઓગસ્ટ 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલને ગુજરાતના રાજકારણની તાસીર બદલી નાંખી છે. આ મહાસંમેલનમાં 25 લાખ પાટીદારો ઉમટી પડ્યા હતા અને તેમણે શક્તિપ્રદર્શન કરીને ભાજપ સરકારને હચમચાવી દીધી હતી.
પાટીદારો હવે ફરી જીએમડીસી ગ્રાઉન્ડ પર શક્તિપ્રદર્શન માટે તૈયાર છે અને આ વખતે શક્તિપ્રદર્શન માટે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ મેદાને પડ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર જીએમડીસી ગ્રાઉન્ડના મહાસંમેલન પછી ચેતી ગઈ છે તેથી લાલજી પટેલે અલગ વ્યૂહરચના અપનાવી છે.
ભાજપ સરકાર આ શક્તિપ્રદર્શનને રોકી ના શકે એટલા માટે એસપીજી દ્વારા જોબ ફેરના નામે પાટીદારોને ભેગા કરવાની વ્યૂહરચના અપનાવાઈ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 20 લાખ પાટીદારો ઉમટી પડશે. જોબ ફેરના નામે આ શક્તિપ્રદર્શન થઈ રહ્યું છે તેથી સરકારે તેને મંજૂરી આપ્યા વિના છૂટકો નથી તે જોતાં લાલજી પટેલે માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો છે તેવું મનાય છે.
એસપીજીના મહામંત્રી નચિકેત મુખીએ જણાવ્યું હતું કે આ જોબ ફેરમાં 20 લાખ પાટીદારો ઉમટશે અને પાટીદાર સમાજના મોટા ઉદ્યોગુતિઓ બેરોજગાર યુવકોને નોકરી મેળવવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અમને સમગ્ર ગુજરાતમાંથી જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાનારા જોબ ફેરમાં હાજરી આપવા સંમતિ દર્શાવતા ફોન કોલ મળી રહ્યા છે તે જોતાં 20 લાખ કરતાં વધારે લોકો ઉમટશે તેવી શક્યતા છે. અમે હવે પાટીદાર સમાજના મોટા ઉદ્યોગપતિઓનો સંપર્ક કરીશું કે જેથી બેરોજગાર પાટીદાર યુવકોને નોકરી મેળવવામાં મદદ થાય. ઘણા મોટા ઉદ્યોગપતિઓએ અમને તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે.