1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સુરતઃ , સોમવાર, 4 એપ્રિલ 2016 (15:12 IST)

પાટીદારોએ લાપસી આરોગ્યા પછી રાત્રે મહાઆરતી

ગઈ કાલે સુરતમાં પાટીદારોનો મહાલાપસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અબ્રામા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા પાટીદારોએ લાપસી આરોગ્યા પછી રાત્રે મહાઆરતી થકી ભક્તિની સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલિત વસોયાએ આગામી સમયમાં આંદોલનને આક્રમક કરવાનો હુંકાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હરિયાણા વાળી થશે. આગામી સમયે ચૂંટાયેલા પાટીદાર નેતાઓ પાસે જેલમાં રહેલ પાટીદાર યુવકોને છોડવા માટે સર્ક્યુલર પર સહી લેવામાં આવશે અને તેમાં સહી ન કરનારના ઘરનો ઘેરાવ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

પાટીદાર અનામત આંદોલન આર્થિક બાબતોને કારણે નબળું નાં પડે તેમજમાં ઉમા-ખોડલની ભક્તિ થકી શક્તિ પ્રદર્શન થઇ શકે, તેવા આશયથી પાસે સુરતના અબ્રામા ખાતે મહાલાપસી સમારોહ યોજ્યો હતો. પાટીદારો માટે 51 મણ લાપસીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. આ સિવાય ૨૭૨ કુંડી મહાયજ્ઞ અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીને કડવા અને લેઉઆ પાટીદારોને એક કરવાનું નિમિત્ત ગણાવી પાટીદાર સમાજનો નવો ધ્વજ પણ જાહેર કરાયો છે. આ ધ્વજમાં કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયા અને લેઉઆ પાટીદારોના કુળદેવી મા ખોડલનો સમન્વય કરાયો છે. આ મહાઆરતીમાં પાટીદાર આગેવાનોએ આ કાર્યક્રમને અત્યંત સફળ ગણાવ્યો હતો.

આ કાર્યક્રમમાં આંદોલન માટે આર્થિક સહાય કરતા વિવિધ લોકોએ મળીને કુલ 60 લાખ કરતા પણ વધારે રૂપિયાનું માતબાર દાન પણ જાહેર કર્યું હતું. આ સિવાય અહીંયા હાર્દિક પટેલનો સમગ્ર પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. હજારો દીવડાઓ થકી કરવામાં આવેલ મા ઉમા-ખોડલની આરતીથી સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય થઇ ગયું હતું.