રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હરેશ સુથાર|
Last Updated : શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020 (16:59 IST)

ટીકીટ ના આપી એનું કોઇ દુઃખ નથી - મહેશ કનોડિયા

P.R

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપે જુના ચહેરાઓને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે ત્યારે આ પૈકીના એક એવા વર્તમાન સાંસદ મહેશભાઇ કનોડિયાએ પાર્ટીના આદેશને માથે ચડાવી જણાવ્યું હતું કે, અમારે તો પાર્ટીની સાથે રહી સાચા મનથી લોક સેવા જ કરવી છે.

વેબ દુનિયા સાથે નિખાલતાથી વાત કરતાં મહેશભાઇ કનોડિયાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ જે કંઇ પણ નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને જ કર્યો હશે. એમાં અમારૂ જ નહીં સૌનું હિત હશે જ.

પાટણની બેઠક પરથી સતત ચાર ટર્મ સુધી વિજયી બનવા છતાં આ વખતે કેમ ટીકિટ ના આપી એવા પ્રશ્નના ઉત્તરમાં તેઓ જણાવે છે કે, અત્યાર સુધી આ બેઠક અનામત હતી હવે જ્યારે આ બેઠક સામાન્ય બની છે તેમજ સમીકરણો અને સંજોગો બદલાયા છે એ જોતાં પાર્ટીએ અન્યને ફાળવી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે કોઇ વ્યક્તિ સો કામ કરે અને એકવાર કામ ના કરે તો ખોટું ના લગાડવાનું હોય, એમ પાર્ટીએ મને અને મારા ભાઇ નરેશને આઠ વખત ટીકીટ આપી છે હવે જ્યારે આ વખતે ટીકીટ નથી આપી તો દુખ કરવાનું ના હોય.

અમે બંને ભાઇઓ ચૂંટણી પ્રચારમાં હર્ષભેર જોડાશું એવો ઉત્સાહ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, પાર્ટીની સાથે રહી અમે બે ભાઇઓ તો સાચા મનથી સેવા કરવા ઇચ્છીએ છીએ.