રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (11:14 IST)

રાજકોટ જેલમાં ક્ષમતા કરતાં 1000 વધુ કેદી, હવે ન્યારામાં રૂ.100 કરોડના ખર્ચે બનશે નવી જેલ

jail
રાજકોટ નજીક પડધરીમાં આવેલા ન્યારામાં રૂ.100 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી જેલના નિર્માણ માટેની પ્રપોઝલ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. રાજકોટ મધ્યસ્થ જેલના જેલ-અધીક્ષક શિવમ વર્માએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટ મઘ્યસ્થ જેલમાં હાલ 1,232 કેદીની ક્ષમતા છે.

જોકે હાલ 2,216 કેદી છે, એટલે કે ક્ષમતા કરતાં 1000 કેદી વધારે છે, જેથી ન્યારામાં નવી જેલ બનાવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ મુકાઇ છે, જેની મંજૂરી હજુ બાકી છે. રાજ્યની ચાર સેન્ટ્રલ જેલ પૈકીની સૌરાષ્ટ્ર-કચ્છની રાજકોટમાં આવેલી પ્રથમ સેન્ટ્રલ જેલને રૂ.100 કરોડના ખર્ચે અદ્યતન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ માટે ન્યારા ગામમાં 62 એકર જમીનમાં ટૂંક સમયમાં નવી જેલનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટમાં 21 એકરમાં સેન્ટ્રલ જેલ કાર્યરત છે. કેદીની ક્ષમતા મુજબ 60 એકર જમીન હોવી જોઈએ. નિયમ મુજબ એક કેદીદીઠ 100 સ્ક્વેર યાર્ડ જમીન જોઈએ, આથી નવી જેલની તાતી આવશ્યકતા હતી. માટે કલેક્ટર પાસે જમીનની માગણી કરવામાં આવી હતી.સરકારના નિયમ મુજબ જેલ કોર્ટ અને હોસ્પિટલની નજીક હોવી જરૂરી છે. હાલ જે જગ્યાની પંસદગી કરવામાં આવી છે ત્યાંથી એઈમ્સ નજીક છે. જ્યારે નવી જેલ બની જશે ત્યારે જેલના કેદીઓને એઈમ્સમાં સારવાર મળશે, જેલ પ્રશાસને જમીન માગતાં કલેક્ટર દ્વારા જમીનનો કબજો આપવા તજવીજ કરવામા આવશે. અત્યારે જેલમાં 52 બેરેક છે. કેદીઓ બેરેકમાંથી જ ઉદ્યોગની પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગીચતામાં કેદીઓ કામ કરી રહ્યા છે.નવી જેલ બનાવવા માટે પડધરીના ન્યારા ગામની સર્વે નં. 200 પૈકીની 70 એકર જમીન આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરતું 70 એકરમાંથી 8 એકરમાં મહાપાલિકાને પાણીના સંપ માટે જમીન આપવાની હોવાથી 62 એકર જમીનમાં નવી જેલ બનાવવામાં આવશે.