શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (14:12 IST)

૧૧ વનરાજોના મોત, ગુજરાતના ગૌરવની ખાલી વાતોઃ ચાર વર્ષથી કાયમી RFO નથી

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયન પર જાણે આફત સર્જાઈ હોય તેમ ધારી નજીક દલખાણીયા રેન્જમાં ૧૧ વનરાજોના મોતથી હાહાકાર મચી ગયો છે. એકતરફ સરકાર સિંહ સંરક્ષણની વાતો કરે છે અને બીજી તરફ નરવી વાસ્તવિકતા પણ બહાર આવી રહી છે. જેમાં ધારી ગીર પૂર્વની સૌથી સેન્સેટિવ ગણાતી દલખાણીયા રેન્જમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ કાયમી આર.એફ.ઓ છે જ નહીં.

ઇન્ચાર્જ અધિકારીથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં અનેક લાયન શો વનકર્મીની હત્યા સહિતના અનેક બનાવો બન્યા હતા અને તાજેતરમાં ૧૧ સિંહોના ટપોટપ મોત પણ થયા હોવા છતાં હજુ સુધી વનવિભાગની આંખ ઊઘડી નથી. ગીર જંગલમાં આવેલ દલખાણીયા રેન્જમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદો ચાલી રહ્યા છે જેમાં સેમરડી ગામમાં લાયન શો ખુલ્લેઆમ થતા હતા અને આને અટકાવવા માટે બોરડી અને સમૂહ ખેતી વચ્ચે થોડા સમય પહેલા વનકર્મીની હત્યા પણ થઈ હતી. વનવિભાગ દ્વારા આવા લાયન શો કરનાર તત્વો સામે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તાજેતરમાં સિંહને મુરઘી આપી લાયન શો કરવાનો કિસ્સો બહાર આવ્યા બાદ સાસણ આવેલ વનમંત્રી અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી પરંતુ આજ દિન સુધી આ રેન્જમાં કોઈ કાયમી આર.એફ.ઓ.ની નિમણૂક કરવામાં નથી આવી, જેના કારણે તાજેતરમાં જ દલખાણીયા રેંજ હેઠળના સરસીયામાં દસ દિવસમાં ૧૧-૧૧ સિંહોના ટપોટપ મોત થયા અને મૃતદેહો કોહવાઈ ગયા ત્યાં સુધી વનવિભાગના કર્મચારીઓને તે અંગેની જાણ સુદ્ધા ન થઈ તે એક ઘોર બેદરકારી મનાય છે. 
આવી અનેક બેદરકારી આ વિસ્તારમાં સામે આવવા છતાં પણ વનવિભાગ દ્વારા જવાબદાર અધિકારી સામે કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ બાબત ઉપજાવે છે. આ વિસ્તારમાં ઇન્ચાર્જ આર.એફ.ઓ તરીકે ફરજ બજાવતા અધિકારી ખૂબ જ વગ વાળા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કારણકે જે રેન્જમાં આર.એફ.ઓ ન હોય તે રેન્જમાં જ પોતાનો ઓર્ડર કરાવી શકે છે અને ત્યાં જઈ પોતે તુરંત જ આર.એફ.ઓ નો ચાર્જ પણ મેળવી લે છે, જેથી આ અંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો ઘણું બહાર આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.