ગોંડલમાં હિટ એન્ડ રનની 2 ઘટના 2 ના મોત  
                                       
                  
				  				   
				   
                  				  શહેરના ઉદ્યોગ ભારતી ચોક નજીક અને મોટી પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની બે ઘટનામાં બે માનવ જિંદગી હોમાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોસ્ટ ઓફિસ પાસે અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લઇ ઢસડતા માતાની નજર સામે બે વર્ષની પુત્રીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના દેવપરા હેડ પોસ્ટ ઓફિસ પાસે બની હતી. જેમાં બે વર્ષની બાળકી અને તેની માતા એક્ટિવામાં બેસી પસાર થઇ રહ્યા હતા. ત્યારે માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતા બે વર્ષની બાળા ધ્યાની પિયુષભાઈ ડોબરીયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
				  										
							
																							
									  
	 
	પ્રાપ્ત વિગત મુજબ શહેરના જેતપુર રોડ પર રાજનગરમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા મનસુખભાઈ ગોબરભાઇ બેલડીયા (ઉં.વ.65) ઉદ્યોગ ભારતી ચોકમાં આવેલી હવેલીએ દર્શન કરી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે ટાટા સુમો નં. GJ-03-LR-3328ના ચાલક મનન રશ્મિભાઈ કોઠારીએ અડફેટે લેતા મનસુખભાઈનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
				  
	 
	 
	 ઉદ્યોગ ભારતી પાસે પણ કાર ચાલકે બાઇકસવાર વ્યક્તિને ભયંકર રીતે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ગોંડલ પોલીસને બંને ઘટનાઓ વિશે જાણકારી આપી દેવામાં આવી છે. પોલીસ હાલ કાર ચાલકની તપાસ કરી છે. બંને મૃતકોના અચાનક અકસ્માતમાં મોત થવાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.હાલ તો બંને ઘટનાના મૃતકને પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે.