વડોદરામાં 275 લોકોએ એક સાથે કર્યા 108 સૂર્યનમસ્કાર કરીને લિમ્કા બુકમાં મેળવ્યું સ્થાન
આંતર રાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે જ વડોદરા શહેરના યોગ નિકેતન કેન્દ્રના મેદાનમાં આજે સવારે 5 વિદેશી સહિત 275 સાધકોએ 108 સૂર્યનમસ્કાર કરીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી લીધું હતું. સૂર્ય દેવના 9 મંત્રોના સંગીતમય ઉચ્ચારણ સાથે કરવામાં આવેલા 108 સૂર્ય નમસ્કારથી અદભૂત નજારો જોવા મળ્યો હતો. કેસરી કલરની ટી-શર્ટમાં સજ્જ 12 વર્ષથી 75 વર્ષના સાધકો દ્વારા તાલબધ્ધ રીતે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. 275 સાધકોએ 108 સૂર્ય નમસ્કાર સાથે કુલ્લે 29,700 સૂર્ય નમસ્કાર કર્યા હતા.
108 સૂર્ય નમસ્કારના આ કાર્યક્રમમાં શહેરમાં વિવિધ કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરતા નોર્વે, બેલ્જીયમ, નેધરલેન્ડ, જર્મની અને રશિયાના પાંચ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જેમાં નોર્વે અને રશિયાની મહિલાઓનો સમાવેશ થાય છે. પાંચે વિદેશીઓ છેલ્લા 6 માસથી વડોદરામાં રહે છે. તેઓને યોગ નિકેતન દ્વારા 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતાં તેઓ પણ છેલ્લા બે માસથી સૂર્ય નમસ્કારની તાલિમ લેતા હતા. આજે તેઓએ સૂર્ય દેવના 9 સંગીતમય મંત્રોચ્ચાર સાથે સમુહમાં 108 સૂર્ય નમસ્કાર પૂર્ણ કર્યા હતા.