ગુજરાતમાં પથ્થલગડી ચળવળ માટે આવેલા 3 નક્સલવાદીઓ ઝડપાયા
ગુજરાતમાં પથ્થલગડી ચળવળ ચલાવવા માટે આવેલા ઝારખંડના બે સહિત ત્રણ નકસલવાદી તાપીમાંથી એટીએસે ઝડપી પાડ્યા હતા. આ ત્રણમાં એક મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા નકસલવાદીઓ સતીપતી સંપ્રદાયના લોકોમાં હિંસક ઉશ્કેરણી કરી રહ્યા હતા. ATSની ટીમે તેમના ઘરમાં તપાસ કરતા નકસલી પ્રવૃત્તિની સામગ્રી તથા મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવણ ગામેથી ગુજરાત એટીએએસએ મૂળ ઝારખંડના બે સહિત ત્રણ નક્સલીને ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા નકસલવાદી બિરસા અને સામુ રાજ્યમાં પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે પૈસા એકત્રિત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
તેઓ પથ્થલગડી આંદોલન પદ્ધતિ અપનાવી સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરતા હતા. એટીએસના જણાવ્યા અનુસાર, મૂળ ઝારખંડના ખૂંટી જિલ્લાના મરહુ તાલુના બુટીગરા ગામના 28 વર્ષના બિરસા સૂઇલ ઔરેયા અને તેના 20 વર્ષના ભાઈ સામુ સૂઈલ ઔરૈયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યારામાં રહીને સતીપતિ સાંપ્રદાયના લોકોને ઉશ્કેરવા માટે વ્યારા આવ્યા હતા. લાંબા સમયથી તેઓ આવી પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું એટીએસના ધ્યાન પર આવ્યું હતું. શુક્રવારે મોડી સાંજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુરત નજીક વ્યારાની આજુબાજુમાં આદિવાસી વિસ્તારોમાં લોકોને નક્સલવાદ બાબતે ઉશ્કેરણીની કામગીરી કરવા માટે આવ્યા હતા. એટીએસના સૂત્રોએ જણાવ્યું કે, હાલ તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે તેમના કોઈ બીજા સાથી છે કે કેમ? તે પણ વધુ તપાસમાં ખૂલશે. ઝારખંડના બે નકસલવાદીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઝારખંડમાં બિરસા આરૈયા સામે હાફ મર્ડર, ગેંગરેપ જેવા 20થી વધુ ગુના નોંધાયેલા છે અને તે અલગ-અલગ પોલીસ મથકમાં વોન્ટેડ છે. ઝારખંડમાં પણ તેઓ નક્સલી પ્રવૃત્તિ જ કરતા હતા.