શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2020 (11:44 IST)

અમદાવાદીઓ પાસેથી કોર્પોરેશને માસ્કને લઈ 5 દિવસમાં 11.49 લાખનો દંડ વસૂલ્યો

રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસનો આંકડો હવે 1 હજારને પાર થઇ ગયો છે. કોરોનાના કેસોને લઇ ગુજરાત હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવી સરકારને ટકોર કરી છે કે માસ્ક ન પહેરનાર લોકોને 1000 રૂપિયા સુધીનો દંડ કરો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે રોજના માત્ર 300 લોકોને દંડ કરી રહી છે જ્યારે પોલીસ 100 લોકોની આસપાસ જ દંડ ફટકારી રહી છે. અનેક જગ્યાઓ પર લોકો માસ્ક વગર ફરતા હોય છે. માસ્ક વગર કામ કરતા નજરે પડે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના સાત ઝોનમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ દંડની કાર્યવાહી માટે 141 લોકોની ટીમ ઉતારી છે. જોકે કેટલાક ઝોનમાં ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નથી. શુક્રવારથી કોર્પોરેશનની ટીમો સક્રિય બની હતી જેમાં કાલે 949 લોકોને દંડ કર્યો હતો. કોર્પોરેશનએ છેલ્લા પાંચ દિવસમાં માસ્ક વગરના 1200થી વધુ લોકોને કુલ 11.49 લાખનો દંડ વસુલ કર્યો છે. માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવાની સત્તા પોલીસ વિભાગને પણ મળી છે ત્યારે પોલીસ દ્વારા માત્ર 200નો જ દંડ લેવામાં આવે છે જેમાં અમદાવાદ પોલીસે જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 3423 લોકોને દંડ ફટકારી અને 6.84 લાખનો દંડ વસુલ કર્યો છે.