ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં 42 ટકા મતદાન

rupani voting
Last Modified રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (23:08 IST)
કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વચ્ચે રવિવારે ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે 42.21
ટકા મતદાન નોંધાયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની છ મહાનગર પાલિકાના 144 વોર્ડમાં સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું, જે સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું.

સવારે બૂથ ઉપર મતદારોની લાઈન પણ દેખાઇ હતી. જો કે, પછીથી મતદાન ધીમું
થયું હતું. મતદાન પૂર્ણ થયા પછી રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર અપડેટ થયેલા આંકડા મુજબ, અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 38.73 ટકા નોંધાયું છે, જ્યારે જામનગરમાં સૌથી વધુ 49.86 ટકા નોંધાયું છે. આ જ રીતે રાજકોટમાં 47.27 ટકા, ભાવનગરમાં 43.66 ટકા, સુરતમાં 43.52 ટકા અને વડોદરામાં 43.47 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે એક વીડિયો સંદેશમાં કહ્યું કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ હતી. તેમણે કહ્યું કે ક્યાંયથી કોઈ અનિચ્છનિય ઘટના નોંધાઈ નથી. આ ચૂંટણીઓમાં મુખ્ય હરિફાઇ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે પાછલી ઘણા વર્ષોથી આ છ મહાનગરપાલિકાઓ પર શાસન કર્યું છે. આમ આદમી પાર્ટી (આપ) એ દાવો કર્યો છે કે તે ભાજપ અને કોંગ્રેસ સામે એક અસરકારક વિકલ્પ રહેશે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે 575 બેઠકો પર મત આપવા માટે લગભગ 32,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
દરેક વોર્ડમાં ચાર પાર્ષદ છે. છ મહાનગરપાલિકાઓમાં કુલ 2,276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે નવ ઉમેદવાર પણ મેદાનમાં છે. ચૂંટણી લડનારાઓમાં ભાજપના 577, કોંગ્રેસના 566, આપના 470, એનસીપીના 91, અન્ય પક્ષોના 353 અને 228 અપક્ષોનો સમાવેશ છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 1.14 કરોડ મતદાતાઓ છે, જેમાં 60.60 લાખ પુરુષો અને 54.06 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. મતની ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે.


આ પણ વાંચો :