ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :મહેસાણા: , બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (13:49 IST)

મહેસાણા: ખેરાલુ નજીક જીપ ઝાડ સાથે અથડાતા 6ના મોત, 12ને ઈજા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માત મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક સર્જાયો હતો. જેમાં એક જીપ ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. 12 જેટલા ઇજાગ્રસ્તોને ખેરાલુ અને વડનગર સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે. ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
 
મળતી માહિતી અનુસાર, ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર રોડ પર મજૂરોને લઈને જઈ રહેલી જીપના ચાલકને ઝોકુ આવી જતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જીપ ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સજાર્યો હતો. આ જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા, જે ખેડબ્રહ્માના હતા. આ અકસ્માતમાં 6 લોકો મોતને ભેટ્યા છે અને 12થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
 
આ મજૂરો મૂળ ઝબૂવા, મધ્યપ્રદેશના રહેવાસી હતા. જીપ ડાલામાં 20 થી વધુ મજૂરો હતા. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલા, 1 દસ વર્ષનું બાળકનો સમાવેશ થાય છે. જ્યારે કે, ઇજાગ્રસ્તોમાંથી 2 લોકોને વડનગર, 1ને અમદાવાદ, 1ને ગાંધીનગર અને 10 લોકોને ખેરાલુમાં સારવાર હેઠળ મોકલાયા હતા.
 
આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખેરાલુ અને વડનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
આ અકસ્માત બાદ જીપ ડાલુંનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે ખેરાલુ પોલીસે જીપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વહેલી સવારે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 5નો હતો, પરંતુ બાદમાં વધુ એકનું મોત થતા મોતનો આંકડો 6 પર પહોંચ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ઈકબાલગઢ હાઈવે પર કાર, ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે અને 10 લોકો ઘાયલ થયા છે.