ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:14 IST)

સમગ્ર ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ અને બિહારના 50 હજારથી વધુ લોકોની હિજરત

બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલો કે તેની આશંકાને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોની હિજરત થઇ ચૂકી છે. જો સ્થિતિ સુધરશે નહીં તો હજુ ગુજરાતમાંથી હિજરત કરી જવાનો આંકડો વધશે.
શાંતિપ્રિય ગણાતા ગુજરાતમાં બની રહેલી ઘટનાઓના પડઘા અન્ય રાજ્યોમાં પણ પડયા છે. તેની સરકારો પણ ચિંતીત થઇ છે. સતત ચાલી રહેલી વાટાઘાટો અને સલામતિનાં બણગાઓ પરપ્રાંતીય પરિવારોએ ગુજરાતમાંથી ઉચાળા ભરવાનું શરૃ કર્યું છે. જેને પગલે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઇ ગઇ છે. આ માર્ગ પર દોડતી સરકારી - લકઝરી બસોમાં પણ જગ્યા નથી. આવા માહોલમાં ગુજરાત સરકારે હિજરત કરી ગયેલા પરપ્રાંતીય નાગરીકોને ફરીથી ગુજરાત આવી જવાની અપીલ કરી છે. તેમજ હજુ જે ગુજરાતમાં છે તેવા લોકોને હિજરત નહીં કરવાની વિનંતી પણ કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમજ જે હૂમલા થયા છે તેનાં દોષિતોને છોડવામાં નહીં આવે.