1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (17:15 IST)

કચ્છમાં કરા પડતા સાયબેરિયાથી આવેલી 56 કુંજના મોત,17 ગંભીર રીતે ઘાયલ

ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગુરુવારે સાંજે આકાશમાંથી પડેલા કરાના કારણે બાનિયારી વિસ્તારમાં કચ્છના પ્રવાસી મહેમાન એવા 56 કુંજ પક્ષીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા,તો 17 ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાનિયારી સીમમાં કમોરાઇ તળાવ નજીક ખેતરોમાં શુક્રવારે સવારે આ ઘટના સામે આવી હતી,જેમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મૃત્યુ પામેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.આ અંગે સ્થાનિકોએ જીવદયા મંડળ અને વનવિભાગને જાણ કરતા તરત વનતંત્રની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

જેમાં 56 કુંજ પક્ષીની પ્રજાતિના ડેમોસાઇલ ક્રેન જે કરકરાના નામે ઓળખાય છે,તેના સામૂહિક મોત થયા હોવાનું સામે આવ્યું હતું. પૂર્વ કચ્છ વનવિભાગના ડીસીએફ પ્રવિણસિંહ વિહોલના માર્ગદર્શન હેઠળ ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રાંતસિંહ જાડેજા ટીમ સહિત ગયા ત્યારે,કુંજ પક્ષીઓમાં આંખ,હાડકા.પાંખ અને પગ સહિત તૂટેલા જોવા મળ્યા હતા.56 જેટલા પક્ષીઓ મૃત અને 17 ઘાયલ મળ્યા હતા. જેને ભચાઉ જીવદયા કેન્દ્રમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. આઈ.એફ.એસ અધિકારી પરવીન કાસવાને કુંજના મોતનો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે,રાજસ્થાનના સાંભર લેકમાં પુષ્કળ પક્ષીઓના મોત બાદ હવે આ કચ્છમાં બન્યું છે.અત્રે નોંધનીય છે કે,રાજસ્થાનનું સાંભર લેક મીઠાનું સરોવર છે.જેમાં તાજેતરમાં હજારો પક્ષીઓ મોતને ભેટ્યા છે.આ સાથે જ કચ્છના મુદ્દે ચર્ચાઓ શરુ થઇ ગઈ હતી,કોંગ્રેસ પાર્ટીની પ્રવક્તા પંખુરી પાઠકે પૂછ્યું કે,શું ફ્લૂથી આ ઘટના બની છે?.તો પર્યાવરણ વિદોએ આ ઘટનાને ગંભીર ગણાવી પર્યાવરણનું અસંતુલન વિષે ચર્ચાઓ છેડી હતી.