ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (15:17 IST)

માવઠાથી પાક પલળી જતાં સડી ગયો, ખેડૂતો ખેતરમાં રહેલા પાકને સળગાવી નાંખ્યો

જગતનો તાત પાયમાલ થઈ રહ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં જોવા મળ્યું છે. પાક વિમાના નામે ખેલાતા રાજકારણમાં ખેડૂત બિચારો બન્યો છે. સુઇગામ તાલુકાના કાણોઠી ગામના ખેડૂતે ખેતરમાં કાપણી કરેલ બાજરી, તલ, મગ, ગવારના પાકમાં બુધવારે વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદથી પલળી જતાં સડી ગયો હતો. આજુબાજુના અનેક ખેતરોમાં પણ આવુ જ નુકસાન થયું હતું. જોકે અહીંના એક રોષે ભરાયેલા વ્યથિત ખેડૂતે શુક્રવારે ખેતરમાં જ પોતાનો પાક સળગાવી નાખ્યો હતો.

 પીડિત ખેડૂતે ખિન્ન હદયે જણાવ્યું હતું કે ‘કુદરતી કહેરથી ખેતરના પાકનો સંપૂર્ણ નાશ થતાં આખા વર્ષની સિઝન ફેઈલ થઈ ગઈ છે. સરકાર દ્વારા પાક નુકશાન સામે મારી સાથે અન્ય ખેડૂતોને પણ વળતર ચૂકવે એવી રજુઆત છે.’ તો બીજીતરફ આજુબાજુના ખેતરોમાં પણ આવાજ હાલ હતા. કાપણી કરીને રાખેલો પાક બળી ગયેલો જોવા મળ્યો હતો.  ખેડૂતોએ પાક નુકશાન સામે વીમો અને સરકાર વળતર આપે તેવી માંગ સાથે શુક્રવારે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. દિવાળી પહેલાના ભારે વરસાદમાં બાજરી, જુવારના પાકનો સોથ વળી ગયો હતો અને બુધવારની રાત્રીએ ચક્રવાત, વાવાઝોડા સાથે કરા વર્ષા સાથે કમોસમી માવઠું થતાં સુઇગામ તાલુકાના  મોટાભાગના ગામોમાં દિવેલા તેમજ ઘાસચારાના પાકનો સફાયો થઇ ગયો છે. એકબાજુ ખેડૂતોએ વીમા પ્રીમિયમ ભર્યું હોવા છતાં વીમા કંપનીઓ દુર્લક્ષ સેવી રહી છે ત્યારે કુદરતના કહેરથી પીડિત 100 ઉપરાંત ખેડૂતોએ ખેતીપાકોમાં નુકશાન અંગે વળતર મળે અને વીમો મળે તે માટે શુક્રવારે સુઇગામ પ્રાંત કલેકટરને રજુઆત કરી હતી.