1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (10:20 IST)

આકરી ગરમીમાં અમદાવાદમાં મચ્છરથી ફેલાતા રોગ પછી હવે ટાઈફોઈડ, ઝાડા-ઊલટીના 719 કેસ

અમદાવાદ શહેરમાં ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. શહેરમાં માર્ચના 28 દિવસમાં જ 449 જેટલા ઝાડા-ઊલ્ટીના કેસ સામે આવ્યા છે. તે ઉપરાંત કમળો-ટાઇફોઇડના કેસ પણ વધી રહ્યા છે. તે ધ્યાને લેતાં શહેરમાં હવે કોરોના અને મચ્છરજન્ય રોગચાળા બાદ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.



શહેરમાં ચાલુ વર્ષે માર્ચમાં ઝાડા-ઊલ્ટીના 449 જેટલાં દર્દીઓ મ્યુનિ. ચોપડે નોંધાયા છે જે આંકડો 20-21ના માર્ચમાં નોંધાયેલા આંકડા કરતા પણ વધારે છે. તે રીતે કમળાના કેસ પણ પાછલા બે વર્ષની સરખામણીએ વધુ જોવા મળી રહ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો અચાનક માથું ઉચકી રહ્યો છે. ત્યારે મ્યુનિ. તંત્ર તેને અટકાવવા પાણીના સેમ્પલના તેમજ ક્લોરિનના ટેસ્ટિંગ શરૂ કર્યા છે. જેમાં ચાલુ વર્ષે મ્યુનિ.એ લીધેલા પાણીના સેમ્પલમાં જ 20 જેટલા સેમ્પલ અનફિટ જોવા મળ્યાં હતાં. પાણીમાં યોગ્ય ક્લોરિનનું યોગ્ય પ્રમાણ જળવાય તે માટે મ્યુનિ.એ 39300 જેટલી ગોળીનું વિતરણ પણ કર્યું છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો હવે ઘટી ગયો છે.શહેરમાં સતત બીજા દિવસે કોરોનાનો એક કેસ નોંધાયો છે. 6 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. મંગળવારે પણ કોરોનાથી એકેય દર્દીનું મોત થયું નથી. 12,165 લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાં 6114એ પ્રથમ, 4747એ બીજો જ્યારે 1304એ પ્રિકોશન ડોઝ લીધો હતો. આ ઉપરાંત 12થી 14 વર્ષની ઉંમરના 5227 બાળકોએ વેક્સિન મેળવી છે. સામે 15 થી 18 વર્ષના 359એ પ્રથમ અને 1312એ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.