રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (10:19 IST)

અમદાવાદમાં એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના 4756, ઝાડા, ઉલ્ટી, ટાઈફોઈડ તથા કમળાનાં 7104 કેસ નોંધાયા

અમદાવાદમાં ઠંડીના ચમકારાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ડીસેમ્બરના 18 દિવસમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના 200 થી વધુ કેસ નોંધાવા પામ્યા હતા.આ વર્ષે જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના 4756 જયારે પાણીજન્ય એવા ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ અને કમળાના 7104 કેસ નોંધાયા છે.દરેક વિસ્તારમાં શરદી-ખાંસી ઉપરાંત વાઈરલ ફીવરના કેસ જોવા મળી રહ્યા છે.સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ તથા દવાખાનાઓમાં વિવિધ બીમારીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આ માસમાં 18 ડીસેમ્બર સુધીમાં શહેરમાં મેલેરીયાના 07, ઝેરી મેલેરીયાના 06 કેસ નોંધાયા છે.ડેન્ગ્યુના 104 અને ચીકનગુનીયાના 100 કેસ નોંધાયા છે.ચોમાસાની મોસમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરીયા વિભાગ તરફથી વિવિધ હોસ્પિટલ,દવાખાના,બાંધકામ સાઈટ, મેટ્રો રેલ પ્રોજેકટની સાઈટ જેવા સ્થળોએ મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્ર શોધવા માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવતુ હતું.આ ડ્રાઈવ દિવાળી પર્વ બાદ મેલેરીયા વિભાગ તરફથી આ પ્રકારે મચ્છરના પોરા શોધવા અથવા તો જે સાઈટ ઉપરથી મચ્છર કે તેના પોરા મળી આવે એ સાઈટના સંચાલક પાસેથી વસુલવામાં આવતા વહીવટી ચાર્જની કામગીરી હાથ ધરાતી હોય એમ જણાતુ નથી.જેના કારણે મચ્છરજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના પ્રદૂષણને લઈને ફરિયાદો વધી રહી છે.ગટરના પાણી બેક મારવાની અથવા ગટર લાઈન ચોકઅપ થવાની ફરિયાદો છતાં હેલ્થ અને ઈજનેર વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ પ્રકારની ફરિયાદનો સમયસર નીકાલ થતો ના હોવાના કારણે પાણીજન્ય રોગના કેસ પણ વધી રહ્યા છે.18 ડીસેમ્બર સુધીમાં પાણીજન્ય એવા ટાઈફોઈડના 152 કેસ, કમળાના 139 કેસ જયારે ઝાડા- ઉલ્ટીના 99 કેસ નોંધાવા પામ્યા છે.આ વર્ષે રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે 79 હજાર 169 સેમ્પલ લેવાયા હતા.202 સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે 8830 સેમ્પલ લેવાતા 178 સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો ફરી જોવા મળી છે. ડેન્ગ્યુની અસર લોકોને વધુ જણાય છે. ચિકનગુનિયાનો પણ સતત વધારો થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાયને ક્યાંય સફાઈના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અને ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.