આજથી "આપ કે દ્વાર આયુષ્માન" મેગાડ્રાઇવ, 8૦ લાખ કુંટુબોને PMJAY-મા કાર્ડનો મળશે લાભ
રાજ્યમાં આજથી "આપ કે દ્વાર આયુષ્માન" મેગાડ્રાઇવ, 80 લાખ કુંટુબોને PMJAY-MA કાર્ડ કઢાવી લાભાન્વિત કરાશે. આ યોજના હેઠળ રાજ્યના 8૦ લાખ કુંટુબોને આવરી લઇ PMJAY-મા કાર્ડ કઢાવી લાભાન્વિત કરવામાં આવશે. આ ડ્રાઇવ હેઠળ ગ્રામ્ય સ્તરે, પી.એચ.સી, સી.એચ.સી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય,ગરીબ તમામ વર્ગના લોકોને આ કાર્ડનો લાભ આપવામાં આવશે. રાજ્યમાં ત્રણ મહિના સુધી ચાલનારી ડ્રાઇવમાં ચાલશે જેનાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ શકે.
રૂપિયા 6 લાખની વાર્ષક આવક ધરાવતા પરિવારના તમામ સભ્યોને માટે અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. આ અંગેનો મેગા ડ્રાઈવ રાજયમાં 23મી,સપ્ટેમ્બરને ગુરુવારથી શરૂ કરાશે. જે આગામી ત્રણ માસ સુધી ચાલશે. આ યોજના હેઠળ કાર્ડિયોલોજિસ્ટ્સ અને યુરોલોજિસ્ટ્સની સારવાર ઉપરાંત કેન્સર, કાર્ડિયાક સર્જરી વગેરે માટેની અદ્યતન તબીબી સારવાર પણ આવરી લેવામાં આવી છે.
રાજ્યના નવનિયુક્ત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પદભાર સંભાળતાના બીજા જ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલની મુલાકાત લઇ તબીબો અને હોસ્પિટલ તંત્ર સાથે રોગ્યવિષયક ચર્ચા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં 23 મી સપ્ટેમ્બરથી "આપ કે દ્વાર આયુષ્માન" મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવાર દીઠ નહીં, પરંતુ વ્યક્તિ દીઠ ઓળખ કાર્ડ આપવામાં આવશે. હાલ રાજ્યમાં 80 લાખથી વધુ પરિવારના લોકો મા કાર્ડનો લાભ લઈ રહ્યાં છે. જે અંતર્ગત લાભાર્થીઓને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવામાં આવે છે. પીએમજેવાયનો હેતુ સમગ્ર પ્રક્રિયાને કેશલેસ બનાવવાનો છે. જેને લઇને કેશલેસ અને પેપરલેસ નોંધણી લાભકર્તાઓને ખિસ્સામાંથી ખર્ચનો બોજો રહેશે નહીં. લાભાર્થીઓ આ યોજના અંતર્ગત ભારતમાં ક્યાંય પણ સારવાર મેળવી શકે છે.
કોરોનાની ત્રીજી લહેર માટેના વિશેષ કામગીરીની સમિક્ષા કરી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તબિબિ સાથે ચર્ચા કરી હતી. આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ દર્દીને સારવાર મળી રહે તે માટે દવાના જથ્થા, તબીબી ઉપકરણો, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર જેવી તમામ આરોગ્ય લક્ષી સેવાઓની જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન કહ્યું કે, સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં જરૂરી સુધારા કરીને તેને નવીનતમ બનાવવાના પ્રયાસો સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે.