મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (19:33 IST)

હવેથી અધિકારીઓ ધારાસભ્યોને કાર્યાલયની બહાર બેસાડી નહીં રાખી શકે, ચીઠ્ઠી મોકલ્યા વગર સીધા જ ઑફિસમાં ઘૂસી જશે. મુખ્યમંત્રીનું કડક વલણ.

રાજ્યના વિવિધ જિલ્લાઓના દૂરના વિસ્તારોમાંથી પ્રજાજનો પોતાના પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર આવે ત્યારે મંત્રીઓ અને અધિકારીઓ તેમના કાર્યાલયમાં સરળતાથી મળી શકે તે માટે મંત્રીઓ અને અધિકારીઓએ ફરજિયાત સોમવારે અને મંગળવારે કાર્યાલયમાં હાજર રહેવું પડશે.
 
રાજ્યના વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા મહત્વના વહીવટી નિર્ણય અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાંથી ધારાસભ્યો અને નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆતો માટે ગાંધીનગર આવે ત્યારે તેમને મંત્રીઓ અને અધિકારીઓ  મળી શકે અને ધક્કા નહીં ખાવા પડે તે માટે સોમવાર અને મંગળવારના રોજ તમામ મંત્રી મંડળના મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓએ ફરજિયાત પોતાના કાર્યાલયમાં હાજર રહેવું પડશે અને મુલાકાત આપશે.
   તેમણે જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારે ધારાસભ્યો રજૂઆત માટે અધિકારીઓ પાસે જાય ત્યારે અધિકારીઓ તેમને બહાર બેસાડી નહીં રાખે અને તરત જ માન પુર્વક અંદર બોલાવી તેમની રજૂઆત સાંભળશે.
તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એવું ધ્યાન પર આવેલું છે કે ધારાસભ્યો તેમની રજૂઆત માટે વિભાગના અધિકારીઓ પાસે જાય ત્યારે તેમને અધિકારીઓ બહાર બેસાડી રાખતા હતા. આથી હવે સોમવાર અને મંગળવારના રોજ ધારાસભ્યો તેમની રજૂઆત માટે વિભાગના અધિકારીઓ પાસે જાય ત્યારે અધિકારીઓએ માનપૂર્વક સરળતાથી તેમને બોલાવવાના રહેશે અને તેમના કાર્યાલયની બહાર બેસાડી નહીં રાખી શકે.
હવેથી ધારાસભ્યો તેમની રજૂઆતો માટે અધિકારીઓની ચેમ્બરમાં સીધા જ ઘૂસી જઈ શકશે. આ નિર્ણય માત્ર સોમવાર અને મંગળવાર પૂરતો જ છે, બાકીના દિવસોમાં વિભાગના અધિકારીઓની મુલાકાત માટે એપોઇન્મેન્ટ લેવાની રહેશે.
અધિકારીઓએ સૂચનાઓનું પાલન નહીં કરે તો તેમની સામે પગલા લેવાશે કે કેમ? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે