મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 5 મે 2021 (09:04 IST)

કોરોના વોર્ડમાં સામુબેનનો શ્રવણ બન્યો મૌલિક, ફક્ત ૪ દિવસમાં જ ૯૯ વર્ષીય સામુબેન ચૌહાણે કોરોનાને હરાવ્યો

કોરોનાવોર્ડમાં સારવાર મેળવી રહેલા ૯૯ વર્ષીય સામુબેનને એકદિવસ પોતાના પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા જાગી...૯૯ વર્ષની ઉમ્રમાં પહેલી વખત તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે.પરિવારથી પ્રથમ વખત વિખૂટા પડેલા સામુબેન ઉદાસ મુખે ખાટલા પર બેસીને કંઇક વિચારી રહ્યા છે. લગભગ પોતાના પરિવારને મળવાની તેમને નિહાળવાની ઝંખના સેવી રહ્યા છે... પરંતુ તે કંઇ રીતે પૂરી થશે ??
 
એવામાં તેમની લગોલગ અન્ય ખાટલા પર કોરોનાની સારવાર મેળવી રહેલા ૩૦ વર્ષીય નવયુવાન  મૌલિક એકલાઅતૂટા બેસેલા બા ને નિહાળે છે. તેમની સમીપે જંઇ તેમની તકલીફ જાણવાની કોશિષ કરે છે. ત્યારે ખબર પડે છે કે તેઓ મુંઝાઇ રહ્યા છે.. પરિવારને યાદ કરી રહ્યાં છે...તેમના પરિવારને નિહાળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે.. પરંતુ તેનો માર્ગ જડી રહ્યો નથી.. કેમકે સામુબેનને તો મોબાઇલ ચલાવતા પણ નથી આવડતો.. અને વોર્ડમાં કોઇને કહેતા પણ અચકાય છે....!
 
આવી પરિસ્થિતિમાં પડોશીધર્મ શું હોય તેનું "મૌલિક"ઉદાહરણ મૌલિકે પુરુ પાડ્યુ... તેણે સામુબા જ્યાર સુધી વોર્ડમાં દાખલ રહ્યાં  તે દિન સુધી શ્રવણ બનીને બા ની મદદ કરી... સામુબાને જ્યારે જ્યારે પોતાના પરિવારજનો સાથે વાત કરવાની,વીડિયો કોલ કરીને તેમને નિહાળવાની  ઇચ્છા થતી મૌલિક ફોનથી સંપર્ક કરાવતો... બા ને જ્યારે પણ એકલાપણું અનુભવાતુ તે બા થી વાતચીત કરીને દૂર કરતો...
 
આ કિસ્સાની શરૂઆત ત્યારે  થઇ જ્યારે ૯૯ વર્ષીય સામુબેન ચૌહાણ કોરોનાગ્રસ્ત થયા. તેમનું ઓક્સિજનનું લેવલ પણ ઘટવા લાગ્યું. ત્યારે તેમના પૌત્ર વિશાલભાઇ તેમને આકસ્મિક સંજોગોમાં મિત્રની ગાડી લઇ  ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા.
 
સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેટ ૧૨૦૦ બેડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓક્સિજન લેવલ ૯૦ પહોંચી ગયુ હતુ.જેથી ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.
 
વોર્ડમાં દાખલ થયા ત્યારે તબીબોની સતત દેખરેખ અને પ્રોગ્રેસિવ સારવારના કારણે સામુબેનના મજબૂત મનોબળે કોરોના નામના રાક્ષસને પણ હંફાવી દીધો. ફક્ત ચાર દિવસના ટૂંકા ગાળામાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવો ઇતિહાસ અમદાવાદ સિવિલમાં સર્જાયો.
 
૯૯ વર્ષની જૈફ વયે યુવાનોને હંફાવે એવા જોમ ,જુસ્સો અને જિંદગી જીવવાની જીજીવિષા ના કારણે  ફક્ત ૪ દિવસમાં જ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા. 
 
દરિદ્રનારાયણની સેવા કરતી સિવિલ હોસ્પિટલ માંથી ઘરે પરત ફર્યા બાદ સામુબેને તબીબો, નર્સિંગ, પેરામેડિકલ અને સફાઇ કર્મીઓ સહિત નાના-મોટા તમામનો શ્રેષ્ઠ સાર સંભાળ રાખવા બદલ સહ્યપૂર્વક આભાર માન્યો છે. લાગણીસભર સ્વરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાખવામાં આવેલી દેખરેખ , નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સારસંભાળ, હોસ્પિટલ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી ભોજનથી લઇ અન્ય વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
 
સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદી કહે છે કે,અમારી કોરોના ડેઝીગ્નેટેડ  ૧૨૦૦ બેડ  હોસ્પિટલમાં જૈફ વયના દર્દીઓ માટે અલાયદો જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત છે.જેમા વયસ્ક  દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને કેટલીક ખાસ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.