બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (13:07 IST)

ગુજરાતમાં જોવા મળ્યુ લુપ્ત થયેલુ પ્રાણી ધોલ

દેશમાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિમાં ધોલનો પણ સમાવેશ કરાયો છે. આ  લુપ્ત થઈ ગયેલું ગણાતું ‘ધોલ’ પ્રાણી ગુજરાતમાં ડાંગના જંગલમાં હોવાના પુરાવા મળી આવ્યા છે, સમગ્ર વિશ્વમાં ધોલની વસતી ઘટ્યા પછી તેનો સમાવેશ ‘જોખમમાં મૂકાયેલી પ્રજાતિ’ની યાદીમાં કરાયો હતો. આ દરમિયાન ગુજરાતના ડાંગ સહિતના કેટલાક જંગલ વિસ્તારોમાં ધોલ દેખાયાનો દાવો કરાયો હતો, પરંતુ તેના ચોક્કસ પુરાવા રજૂ નહીં થતાં વન વિભાગે ધોલને ગુજરાતમાંથી લુપ્ત થયેલી પ્રજાતિ ગણી હતી. ત્યાર પછી ધોલની હાજરીની પુષ્ટિ કરવા નવસારી કૃષિ યુનિવર્સિટીના વન્યજીવ વિભાગ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા એક સંશોધન હાથ ધરાયું હતું
 
‘ધોલ’ કૂતરાના કૂળનું સમૂહમાં શિકાર કરતું જંગલી પ્રાણી છે. વૈજ્ઞાનિક રીતે વરુ કરતા શિયાળની વધુ નજીકનું આ પ્રાણી ભેજવાળા અને શુષ્ક, પાનખર જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. તેનો પસંદગીનો શિકાર ચિતલ અને સાબર છે. જોકે તેણે ભેંસ, પક્ષીઓ, ઘેંટા-બકરા, જંગલી ડુક્કર, સસલાં અને ગરોળીનો પણ શિકાર કર્યાના અહેવાલ છે. હાલ તો ડાંગના જંગલમાં જ ‘ધોલ’ની પુષ્ટિ થઈ છે, પરંતુ તે શૂળપાણેશ્વર સહિતના જંગલોમાં પણ હોવાની શક્યતા છે. દ. ગુજરાત ધોલનું સંભવિત નિવાસસ્થાન બની શકે એમ છે કારણ કે અહીંનો ખૂબ વિશાળ ભેજયુક્ત, પાનખર જંગલ વિસ્તાર છે.