રવિવાર, 14 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (09:36 IST)

ઓલપાડના કનાજ ગામે પિતરાઈ બહેનના લગ્નમાં નાચતો ભાઈ એકાએક ઢળી પડ્યો

ઓલપાડ તાલુકાના કનાજ ગામે ડી.જે.ના સુરે નાચતા એકયુવાનનું રહસ્યમય મોત થતાં શ્રમજીવી પરિવારનો લગ્નનો ખુશીનો અવસર માતમમાં છવાયો છે.વિગત મુજબ ઓલપાડ તાલુકાના કનાજ ગામે હળપતિ વાસમાં સુનીલ ભગવતીભાઇ રાઠોડ (19) નામનો શ્રમજીવી યુવાન રહેતો હતો. મૃતક સુનીલના માતા-પિતાનું અવસાન થયા બાદ તેના મોટા ભાઈ સાથે રહી ખેતમજૂરી કરતો હતો, જયારે આજે સોમવાર,તા.16 ના રોજ કનાજ ગામે હળપતિવાસમાં જ રહેતા સુનીલ રાઠોડના કાકા બાલુભાઇ સોમાભાઇ રાઠોડની દિકરીના લગ્ન હોવાથી રવિવારની રાત્રે ડી.જે.ના પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેથી સુનિલ મોડી રાત સુધી કાકાના ઘરના આંગણામાં ડી.જે. સંગીતના સુરના સથવારે મિત્રો અને સગા-સબંધીઓ સાથે ડાન્સમાં મશગુલ રહી ઝૂમી રહ્યો હતો.ત્યારે મોડી રાત્રે 1.00 વાગ્યાના સુમારે અચાનક સુનીલને ચક્કર આવતાં તે જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જો કે આ મામલે મૃતક સુનીલના મિત્રો કહી રહ્યા છે કે, સુનીલ જયારે ડાન્સ કરી રહ્યો હતો, ત્યારે તેને અચાનક ચક્કર આવતા તે નાચતો-નાચતો બહાર નીકળી આવ્યો હતો. નજીકના બાંકડા પર બેઠા બાદ તરત જ બાંકડા પર ઢળી પડ્યો હતો. જેથી ગભરાયેલા સૌ કોઈએ સુનિલને ઉઠાડવાનો પ્રયાસ કરવા છતાં નિષ્ફળતા મળતા અમોએ 108 ઇમરજન્સી એમ્બયુલન્સને ફોન કરતા 15 મિનિટ લાગે તેમ હોવાથી સુનિલને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે સુનિલને મૃત જાહેર કર્યો હતો. આ કેસની તપાસ સાયણ આઉટ પોલીસ કરી રહી છે.કેટલાક ડી.જે. સાઉન્ડના ઘણી વખત બારીના કાચ પણ તૂટી જવાની ઘટનાઓ જગજાહેર છે, પરંતુ આ તો કુમળું માનવ હૃદય છે, શું સુનીલનું રહસ્યમય મોત પણ ડી.જે.સાઉન્ડના પ્રચંડ સૂરના કારણે હાર્ટ એટેકથી થયું છે કે કેમ? તેનું રહસ્ય મૃતક સુનીલનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખૂલશે.