1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગીર સોમનાથઃ , સોમવાર, 15 મે 2023 (23:42 IST)

Gir Somnath News ગીર-સોમનાથમાં 500 કરોડનો ઢગલો કરવાનું કહી લોકોને છેતરતા તાંત્રિકોની ટોળકી ઝડપાઈ

Where there are greedy people, thieves do not starve
નકલી ખોપડી, સાપ, મોબાઈલ, રોકડા 6.46 લાખ રૂપિયા, 21 તોલા સોનુ સહિત 19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
 
રાજકોટના પૂજારીને 500 કરોડનો ઢગલો કરી દેવાની માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપિંડી આચરી
 
Gir Somnath New આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શક્યા નથી. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ કહેવાત આજે સાચી ઠરી છે.ગીર સોમનાથ જિલ્લામાંથી તાંત્રિકે 93 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. 66 તોલા સોનુ અને અન્ય મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.રાજકોટના પૂજારીને 500 કરોડનો ઢગલો કરી દેવાની માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ તાલાલા પોલીસમાં નોંધાઈ છે. એલસીબીએ આ મામલે 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેનારા નકલી ખોપડી, સાપ, મોબાઈલ જેવી વસ્તુઓ તથા રોકડા 6.46 લાખ રૂપિયા, 21 તોલા સોનુ સહિત 19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  
 
માતાજી 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે
આ તાંત્રિક ટોળકીના પર્દાફાશ મામલે એસપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, ‘બે વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા પૂજારી હરકિશનભાઈ ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરિયાત હોવાની વાત કરતા અલ્તાફ સમાએ કહ્યુ હતુ કે, તાલાલાના પાણીકોઠા ગામે રહેતા મુસબાપુને સાક્ષાત માતાજી આવે છે અને તે 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે. તેના માટે વિધિ કરવી પડશે. તેના માટે હરકિશન બાપુને પાણીકોઠા ગામે મુસબાપુની વાડીએ લઈ ગયા હતા. ત્યાં રાતના મુસાબાપુએ વિધી ચાલુ કરી હતી. 
 
15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા આપી
વિધી દરમિયાન અચાનક એક કાળા કપડાં પહેરેલો વ્યક્તિ પ્રગટ થયો હતો. આ વ્યક્તિ માતાજી હોવાનું જણાવીને મુસાબાપુએ કહ્યુ હતુ કે, માતાજીને પ્રસન્ન કરવા માટે સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે. જેના માટે તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ તેમાંથી તમે પરત આપી દેજો. જેથી પૂજારીએ તેમના બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે 15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપી હતી. આ તાંત્રિક વિધિ દરમિયાન પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં રાખેલી લાખોની રકમ બતાવી ‘આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધિ કરવાથી પૈસાનો ઢગલો થશે’ તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા. 
 
તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો
કારમાં મુસાબાપુ, અલ્તાફ સહિતના પૂજારી હરકિશન સાથે રાજકોટ તેમના ઘરે વિધિ કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાદા કપડામાં રહેલા બે નકલી પોલીસ કર્મચારીઓએ કારને વાહન ચેકિંગ માટે રોકીને ચેકિંગ કર્યું હતું. ત્યારે 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી. જેથી નકલી પોલીસે મારકૂટ કરીને મુસાબાપુને ઝડપી લીધો હતો. જ્યારે પૂજારી હરકિશનને ભગાડી દીધો હતા. તેના થોડા દિવસો પછી મુસાબાપુએ પૂજારીને ફોન કરીને પોલીસથી માંડ છૂટ્યો હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધિ થશે નહીં તેવું જણાવ્યું હતું. વધુમાં એસપી જાડેજા જણાવે છે કે, ‘પૂજારી હરકિશનભાઈને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. જેની તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો છે.