શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :રાજકોટ , શુક્રવાર, 1 માર્ચ 2024 (14:39 IST)

શ્વાસ થંભાવી દેતા અકસ્માતનો CCTV - રાજકોટમાં કારચાલકે ટક્કર મારતા આધેડનું મૃત્યુ

A middle-aged man died after being hit by a car in Rajkot
A middle-aged man died after being hit by a car in Rajkot

- મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાવી 15 ફૂટ સુધી ઢસડયા
- દુકાનના પગથિયે બેઠેલી યુવતીને હડફેટે લઈ કાર દુકાન સાથે અથડાવી 
- અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર 
 
શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર આજે સવારે કારચાલકે મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાવી 15 ફૂટ સુધી ઢસડયા હતા. ત્યારબાદ દુકાનના પગથિયે બેઠેલી યુવતીને હડફેટે લઈ કાર દુકાન સાથે અથડાવી હતી. આ ગંભીર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.  અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનામાં આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.યુવતીને સામાન્ય ઈજાઓ થતા સારવારમાં ખસેડાઈ હતી. 

 
કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ત્રિશુલ ચોક પાસે કારચાલક યુવાન પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. કારચાલક યુવાને અચાનક કારનું સ્ટીયરિંગ જમણી તરફ ફેરવી નાખ્યું હતું. જેને લીધે મોર્નિંગ વોકમાં નીકળેલા 50 વર્ષીય નલીનભાઈ નરોતમભાઈ સિધ્ધપુરાને હડફેટે લઈ લગભગ 15 ફૂટ સુધી ઢસડ્યા હતા. ત્યારબાદ ચોકમાં દુકાન પાસે બેસેલી 18 વર્ષીય વિદ્યાર્થિનીને પણ હડફેટે લીધી હતી. કાર દુકાન સાથે અથડાઈને રિવર્સ જતી રહી હતી. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
 
યુવતીને સામાન્ય ઈજા આધેડનું મૃત્યુ
મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડ 15 ફૂટ સુધી ઢસડાયા હતા. તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ડીસીપી ઝોન-1 અને ટ્રાફિક ડીસીપી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટ DCP ઝોન- 1 સજ્જનકુમાર સિંહે જણાવ્યુ હતું કે,અકસ્માત સર્જનાર કારચાલકને કાર નંબરના આધારે ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.