1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (16:33 IST)

અમદાવાદમાં ટેકસીમાં બેસેલા મુસાફરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, ટ્રાફિક પોલીસે CPR આપી જીવ બચાવ્યો

Ahmedabad news
વ્યક્તિને 108માં યુ.એન. મહેતા હોસ્પિટલ સારવાર માટે મોકલ્યા હતાં જ્યાં થોડીવારમાં જ તેમને રજા આપી દેવાઈ હતી
 
મહારાષ્ટ્રથી કામ અર્થે શહેરમાં આવેલા પરિવારે અમદાવાદ પોલીસનો આભાર માન્યો
 
 
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસે વધુ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટેક્સીમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને છાતીમાં દુઃખાવો ઉપડતાં તેને ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક CPR આપ્યો હતો. ત્યારબાદ 108ની મદદથી આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મોકલી આપ્યો હતો. હોસ્પિટલમાં દર્દીને અડધી કલાક જેટલા સમયની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની મદદથી એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ વ્યક્તિ મહારાષ્ટ્રથી અમદાવાદ પરિવાર સાથે આવ્યો હતો. 
 
ટ્રાફિકના જવાનોએ ઢળી પડેલા વ્યક્તિને CPR આપ્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રથી એક દંપતી તેમના નાના બાળક સાથે અમદાવાદ આવ્યું હતું. એરપોર્ટ પાસેની એક હોટેલમાં રોકાયું હતું. તેઓ હોટેલથી કોઈ કામ અર્થે બહાર જવા માટે એક ખાનગી ટેક્સીમાં બેઠા હતાં અને કાલુપુર રેલવે સ્ટેશન તરફના રોડ પરથી પસાર થતાં હતાં. આ દરમિયાન પુરૂષને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. મહિલાએ તેના પતિને દુઃખાવો થતો હોવાની જાણ કરતાં જ ટેક્સી ચાલકે ટ્રાફિક પૂર્વ ડીસીપીની ઓફિસની સામે સવારી રોકી દીધી હતી. આ દરમિયાન જે વ્યક્તિને દુઃખાવો થતો હતો તે ટેક્સીમાંથી બહાર નીકળતી વેળાએ ઢળી પડ્યા હતાં. તેને જોઈને પત્ની અને બાળક ગભરાઈ ગયા હતાં. આ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતાં અને ઢળી પડેલા વ્યક્તિને CPR આપ્યું હતું. ત્યાર બાદ વ્યક્તિની શ્વાસો શ્વાસની ક્રિયા શરૂ થઈ ગઈ હતી.
 

 
CPR આપીને અનેક લોકોના જીવ બચાવ્યા
ટ્રાફિકના જવાનોએ 108ને ફોન કરતાં જ 108 ઘટના સ્થળે આવી ગઈ હતી અને આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં. જ્યાં હોસ્પિટલમાં આ વ્યક્તિની અડધી કલાકની સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. આ વ્યક્તિને ભાન આવ્યું ત્યારે તેની પત્નીને રાહત થઈ હતી. આ પરિવારે અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો. અમદાવાદના ટ્રાફિક જવાનોએ અગાઉ પણ આ પ્રકારે CPR આપીને અનેક લોકોના જીવ બચાવ્યા છે.