ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (09:34 IST)

માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવનારાને 5 હજારનું ઇનામ

વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર કે હોસ્પિટલે પહોંચાડવામાં મદદ કરનારી વ્યક્તિને રૂપિયા પાંચ હજારનો રોકડ અવૉર્ડ અને સર્ટિફિકેટ આપવાની યોજના કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોન્ચ કરી છે. ગત 15 ઓક્ટોબરથી અમલી આ યોજના માર્ચ 31,2026 સુધી અમલી રહેશે. જીવ બચાવવામાં મદદગારી વ્યક્તિને વર્ષમાં મહત્તમ પાંચ વખત અવૉર્ડ મળી શકે છે.મંત્રાલયે જારી કરેલી ગાઇડલાઇન મુજબ, કોઇપણ વ્યક્તિ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક કે તેથી વધુને હોસ્પિટલ પહોંચાડે તોપણ અવૉર્ડની રકમ અઢી હજાર જ રહેશે. જો એકથી વધુ વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને જીવ બચાવવામાં મદદ કરે તો અઢી હજારના અવૉર્ડની રકમ તેમની વચ્ચે વહેંચાશે અર્થાત મદદ કરનારી બે વ્યક્તિ હોય તો અઢી-અઢી હજાર મળશે. એકથી વધારે વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એકથી વધુ વ્યક્તિને બચાવવામાં મદદરુપ થાય તો જેટલા લોકોને બચાવ્યા હોય તેટલા લેખે પાંચ હજારનો અવૉર્ડ મળશે. દરેક રોકડ અવૉર્ડની સાથે સર્ટિફિકેટ પણ અપાશે. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બચાવનારા માટે 10 રાષ્ટ્રીય કક્ષાના અવૉર્ડ પણ અપાશે. દેશમાંથી આવનારાં નામોમાંથી આ 10ની પસંદગી કરાશે અને પ્રત્યેકને 1 લાખ ઇનામ અપાશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં દર વર્ષે વાહનોની સંખ્યા 10 ટકાના દરે વધતા અકસ્માતો પણ વધ્યા છે. ગંભીર રીતે ઘાયલનો જીવ બચાવવાના હેતુથી આ યોજના શરૂ કરાઇ છે. મોટર વ્હીકલ એક્ટની 2019માં સુધારેલી કલમો હેઠળ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મદદ કરનારી વ્યક્તિને સુરક્ષા અપાઈ છે. રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક કે તેથી વધુ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરનારી કોઇપણ વ્યક્તિને આ અવૉર્ડ મળી શકે. મદદ કરનારી વ્યક્તિ પણ એક કે તેથી વધુ હોય અને એક જ ઘટનામાં તેમની ભૂમિકા હોય તો ઈનામ વહેંચાશે. મોટર વ્હીકલ એક્ટની કલમ 2(12એ) મુજબ, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલને એક કલાકમાં હોસ્પિટલ પહોંચાડાય તો એને ગોલ્ડન અવર કહે છે. આ એક કલાકનો સમય એવો છે, જેમાં ઇજાગ્રસ્તને સારવાર મળે તો જીવ બચવાની શક્યતા મહત્તમ હોય છે. ઇજાગ્રસ્તોના અકસ્માતની પોલીસને જાણ કરનારી વ્યક્તિ મદદ પહોંચાડે પછી પોલીસ ડોક્ટર પાસેથી વિગતો મેળવી લેટર પેડ પર મદદ કરનારી વ્યક્તિનું નામ, સરનામું અને મોબાઇલ નંબર, અકસ્માતનું સ્થળ, સમય નોંધી મદદ કરનારી વ્યક્તિએ કેવી અને કેટલી હેલ્પ કરી એની નોંધ સાથેનું સર્ટિફિકેટ તૈયાર કરી સંબંધિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મોકલશે.