સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2023 (12:33 IST)

રાજકોટમાં ખંઢેરી નજીક યુવક-યુવતીએ સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

suicide
રાજકોટમાં ખંઢેરી નજીક યુવક-યુવતીએ સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એને પગલે કમકમાટીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. નોંધનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને મીઠાપુરના આરંભડા ગામનાં રહેવાસી છે અને બંને રવિવારથી લાપત્તા હતાં.

હાલ યુવક-યુવતીએ સજોડે આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે ખંઢેરી ગામ નજીક ટ્રેનના પાટા પર યુવક અને યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે યુવકનું નામ મહેન્દ્રસિંહ વાઘેલા છે અને યુવતીનું નામ સુમી કેર છે. બંને મીઠાપુરના આરંભડા ગામનાં રહેવાસી છે અને બંને રવિવારથી લાપત્તા હતાં. એ બાદ આજે તેમણે સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બંનેએ કયા કારણસર આપઘાત કર્યો એ દિશામાં પોલીસ તપાસ થઈ રહી છે. રાજકોટ શહેરમાં ભકિતનગર રેલવે સ્ટેશન પાસે ગઇકાલે ટ્રેનની ઠોકરે ચડી જતાં વૃદ્ધનું મોત નીપજતાં માલવિયાનગર પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતાં મૃતક રેલનગરમાં છત્રપતિ ટાઉનશિપમાં રહેતા હોવાનું અને સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક પોતે કામ કરી ઘરે જતા હતા ત્યારે ટ્રેનના પાટા ઓળગવા જતાં ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં પોલીસે કાગળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં 4 મહિના પહેલાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી, જેમાં વીરપુર અને કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કર્યો હતો. એમાં કેશોદ પંથકની પરિણીત યુવતી અને ગોંડલ પંથકના યુવાન વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ પરિવારજનો એક થવા નહીં દે એવા ડરથી બન્નેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.