1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (18:35 IST)

રાજકોટમાં મોબાઇલની જીદે ચડેલી 10 વર્ષની બાળકી રાત્રે ઘરેથી નીકળી ગઈ, પછી શું થયું વાંચો

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાર દિવસ પહેલા રાજકોટ શહેરના નિર્મલા રોડ પર રાત્રિના સમયે ભેદી રીતે ગુમ થયેલી 10 વર્ષની બાળકી સવારે મળી આવ્યા બાદ તેની પૂછપરછમાં તે દુષ્કર્મનો શિકાર બની હોવાનું સામે આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાળકીએ મોબાઈલ માટે માતા-પિતા પાસે જીદ કરી હતી, પરંતુ વાદવિવાદ થતાં બાળકી ઘરેથી પિતાના મોબાઈલ અને એક્ટિવા સાથે નીકળી ગઈ હતી. બાદમાં હોટલમાં રૂમ રાખવા જતાં ત્યાંનો કર્મચારી બીજી હોટલમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે પિતાએ પોલીસને જાણ કરતાં બાળકીના નિવેદન બાદ પોલીસે અપહરણના ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના પોશ વિસ્તારમાં 10 વર્ષની દીકરીએ પિતા પાસે મોબાઇલ અને ડોગી લઇ દેવાની જીદ કરી હતી, પરંતુ પિતાએ મોબાઇલ અને ડોગી નહીં લઈ દેતાં પુત્રી ચાર દિવસ પહેલાં રાત્રિના 11 વાગ્યાના અરસામાં તેના પિતાનો મોબાઇલ અને એક્ટિવા લઇને ઘરેથી નીકળી ગઇ હતી. શોધખોળ કરવા છતાં નહીં મળતાં વેપારીએ મોડી રાતે ગાંધીગ્રામ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સવારે બાળા તેના ઘર નજીક જ રહેતાં માસીના ઘરેથી મળી આવી હતી.બાળકી આખી રાત ક્યાં હતી એ અંગેની પૂછપરછ કરતાં તેની વિગતો સાંભળી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

રાત્રિના ઘરેથી નીકળી ગયા બાદ બાળકી કોટેચા ચોક પાસે આવેલી કે.કે. હોટેલ પહોંચી હતી. અગાઉ પરિવાર સાથે ત્યાં જમવા ગઈ હોવાથી ત્યાંના રિસેપ્શનિસ્ટ યુવક સાથે પરિચય થયો હતો. આથી બાળકીએ પિતાના મોબાઇલ ફોનમાંથી રિસેપ્શનિસ્ટ યુવક ગૌતમ ચૂડાસમાનો સંપર્ક કર્યો હતો અને રાત્રિ રોકાણ માટે રૂમની વ્યવસ્થા કરી આપવા કહ્યું હતું.આ પછી ગૌતમ બાળકીને માલવિયા ચોક ખાતે આવેલી હોટલ તિલકમાં લઈ ગયો હતો અને ત્યાં પોતે પણ બાળકી સાથે રૂમમાં રોકાયો હતો. જોકે આ સમયે હોટલ તિલકમાં બાળકીના બદલે અન્ય કોઈ યુવતીનું આઈડી પ્રૂફ આપ્યું હતું અને રાત્રિ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ પણ આચાર્યું હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે અપહરણ સાથે દુષ્કર્મ અને પોક્સોની કલમ ઉમેરી મેડિકલ ચેકઅપ કરાવી આરોપીને જેલ હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી ગૌતમે રૂમ બુક કરાવી હોટલનું ભાડું રૂ.1000નું પેમેન્ટ ગૂગલ પે મારફત સગીરાના પિતાના મોબાઇલમાંથી કરાવડાવ્યું હતું.