સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (12:37 IST)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે રખાયા

Narendra Modi Stadium
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં વર્લ્ડ કપ 2023ની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી થવાની છે. આ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. વર્લ્ડ કપની મેચો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટવાના છે. દર્શકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. 
 
મોટેરા જનપથ ટીથી લઇ વિસત સર્કલ સુધીમાં ચાર જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઓએનજીસી સર્કલથી ખોડિયાર ટી સુધીમાં ચાર જેટલા પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેડિયમથી સૌથી નજીકનો પાર્કિંગ પ્લોટ સ્ટેડિયમની સામે ગેટ નંબર-1 પાસે સંગાથ IPL ગ્રાઉન્ડ અને ભરવાડ પ્લોટ છે.વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 15 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટુ-વ્હીલર માટે, એક પ્લોટ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 11 પ્લોટ ફોર વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.