ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (11:31 IST)

રાજ્યપાલે અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટની લીધી મુલાકાત, વેપારીઓને આપ્યો આ સંદેશ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરૂવારે અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટની મુલાકાત લીધી હતી અને વેપારીઓને જણાવ્યું હતું કે રાજ ભવન લોકોથી દૂર નહીં પણ લોકો માટે લોકોની નજીક હોવું જોઇએ એ ભાવના સાથે મને અમદાવાદ ખાતેના ન્યુ ક્લોથ માર્કેટમાં તમામ વેપારી સમુહને મળવાનો એક અવસર મળ્યો છે જેનાથી હું અતિપ્રશંન્ન છું. હું વર્ષોથી આ પરંપરાનું પાલન  કરતો આવ્યું છું કે, માર્કેટમાં વેપારી સમુહ અને લોકોની વચ્ચે જવું અને તેમની સાથે સંવાદ કરી વિચારોનું આદાન-પ્રદાન કરવું. 
રાજ્યપાલે જણાવ્યું કે, રાજ્યભવનમાંથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે, દર મહિને રાજ્યના કોઇપણ ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન કરી જાગૃતિ લાવવામાં આવે. આ પ્રકારના કાર્યોથી લોકોની વચ્ચે સમરસતા, ભાઇચારો અને એક્તા વધે છે, જેનાથી સમરસ સમાજનું નિર્માણ થાય છે. યુવાનોના સંદર્ભમાં રાજ્યપાલએ જણાવ્યું કે, આજની યુવા પેઢીએ નશા જેવા દુષણોથી દૂર રહેવું જોઇએ. યુવાનો આપણા રાષ્ટ્રની એક મૂડી છે. આપણા યુવાનો જેટલા રાષ્ટ્રને સમર્પિત હશે એટલો ઝડપથી દેશનો વિકાસ થશે.
 
રાજ્યપાલે પોતાના અત્યારના સૌથી અગત્યના મિશન પર વાત કરતા જણાવ્યું કે, મારું સૌથી મોટું મિશન પ્રાકૃતિક ખેતી છે. ગુજરાતમાં ખેડૂતોની વચ્ચે જઇને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલમી કેન્દ્રો દ્વારા જરૂરી તાલિમ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરશે તો પાકનું ઉત્પાદન વધશે. જેના કારણે ખેડૂતોને સારું મુલ્ય મળશે અને ખેડૂતોની આવક બમણી થશે. ખેડૂતોની આવક બમણી થવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પણ સાકાર થશે. રાજ્યપાલે વેપારી સમુહને બેટી બચાવો, બેટી પઢાઓ, જળસંરક્ષણ, પર્યાવરણ બચાવો અને પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો.