1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જુલાઈ 2020 (20:07 IST)

અદાણી વિલ્મરના ઓટોમેટેડ ફિલીંગ પ્લાન્ટસ તોલમાપ વિભાગની પરીક્ષામાં થયો 'પાસ'

તાજેતરમાં અદાણી વિલ્મર અંગે એક સમાચાર પ્રકાશિત થયા હતા જેમાં જણાવવામાં આવ્યુ હતું કે તેમની અન્ય બ્રાન્ડ આધાર સનફ્લાવર તેલ નાં 15 લિટરનાં કેટલાંક ટીનમાં પેકેજીંગ લેબલ ઉપર દર્શાવેલા જથ્થા કરતાં તેલનો ઓછો જથ્થો જોવા મળ્યો હતો. 
 
આ સમાચારની તપાસ સંદર્ભે ગુજરાત સરકારના તોલમાપ વિભાગની ફલાઈંગ સ્કવોડે અદાણી વિલ્મરના મુંદ્રા અને કડી પ્લાન્ટસની તાજેતરમાં મુલાકાત લીધી હતી અને તેમને ઓટોમેટેડ ફિલીંગ, પેકેજીંગ અને ગુણવત્તા પ્રક્રિયા આવશ્યક કાયદા મુજબની જણાઈ હતી. 
 
 
અદાણી વિલ્મરના હેડ માર્કેટીંગ અજય મોટવાણી જણાવે છે કે “અમે આ અહેવાલની ગંભીર નોંધ લીધી છે. ફરિયાદીએ કરેલા દાવા મુજબની કોઈ નોટિસ હજુ અમને મળી નથી. અમે આ બાબતે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે તોલમાપ વિભાગની ફલાઈંગ સ્કવોડે અદાણી વિલ્મરના મુંદ્રા અને કડી પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તેમને ઓટોમેટેડ ફીલીંગ, ટીનનાં વજન, ગુણવત્તા પ્રક્રિયા અને લેબલીંગની જરૂરિયાતમાં કાયદાનુ પાલન થતુ જણાયુ છે. ”
 
અજય મોટવાણીએ એમ પણ જણાવ્યુ હતું કે ફરિયાદમાં જે ચોકકસ ટીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનુ પેકીંગ ઓગસ્ટ 2018માં થયું હતું. અને તેનો બેસ્ટ બીફોર પિરિયર્ડ ( જે સમયગાળા પહેલાં  વપરાશ કરી દેવો જોઈએ) અને વોરંટી પ્રિયર્ડ પૂરો થયો છે. 
 
તેમણે કહ્યું કે “આ ફરિયાદ અર્થહીન  છે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ જણાય છે.”
 
અદાણી વિલ્મર તેના તમામ પ્રોસેસિંગ પ્લાન્ટસમાં  વિશ્વની ઉત્તમ ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરે છે અને તે સંપૂર્ણ ઓટોમેટિક છે અને તેમાં ઓછામાં ઓછી માનવ દરમ્યાનગીરીની જરૂર પડે છે. એફએમસીજી ક્ષેત્રની આ ટોચની કંપની કડક પેકેજીંગ ધોરણો ધરાવે છે અને તેમનાં ખાદ્યતેલ અને ફૂડ બ્રાન્ડઝમાં ગ્રાહકોએ મુકેલા વિશ્વાસ અને ભરોસાને અતિમૂલ્યવાન ગણે છે. 
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અમે વચન મુજબની ગુણવત્તા અને જથ્થો પૂરો પાડવા માટે કટિબધ્ધ છીએ. અને અમારા ગ્રાહકો, પેટ્રન અને સહયોગીઓને અમારી તમામ પ્રોડકટસમાં  સર્વોચ્ચ અને  એકધારી ગુણવત્તાની ખાત્રી આપીએ છીએ. આ ફરિયાદના સંદર્ભમાં અમે અમારાં ઉત્પાદન એકમોમાં આંતરિક તપાસ પણ શરૂ કરી છે.”