ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જુલાઈ 2020 (19:39 IST)

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં રાજ્ય બહારના માછીમાર ઝડપાશે તો રૂ.1 લાખનો દંડ

ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-2003માં સુધારો કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે,ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે.  આ દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત થાય તે હેતુસર ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગતો આપતા મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલાં લેવાશે.  રાજ્ય બહારની ફિશિંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે દંડની જોગવાઈ કરવી જરૂરી હોવાથી આ વટહુકમ દ્વારા દંડની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો ‘લાલ પરી’ નામનું વિશિષ્ટ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે.  જેના કારણે પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે. આ ઘટનાઓ અટકાવવાના હેતુસર બોટ માલિક સામે કડક પગલા લેવા આવશ્યક હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.   તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજ્યની મરિન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારની ફિશિંગ વેશેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપસી બોટ અથવા અન્ય કોઈ યાંત્રિક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે સર્ચ અને સિઝરની સત્તાઓ આપવા માટે જરુરી જોગવાઈ કરવામાં આવી છે.  આ માટે રાજ્યના મરિન પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તાઓ સોંપી છે. મંત્રી જાડેજાએ આગળ જણાવ્યું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003માં અન્ય રાજ્યની બોટ સામે દંડની જોગવાઈ નથી.  કેટલીક વાર રાજ્ય બહારની બોટો રાજ્યની દરિયાઈ સીમામાં માછીમારી અથવા અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે આવે છે અને રાજ્યનાં માછીમારોનાં હિતોનું ઉલ્લંઘન કરે છે. જેથી રાજ્ય બહા૨ની ફિશિંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે રૂ. 1 લાખના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલ મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી ૨કમ વસુલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.  આ ગુના અને દંડની જોગવાઈ માટે સ્થાનિક સત્તાક્ષેત્રના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષાત્મક સજા કરવામાં આવશે અને ફક્ત સબ-ડીવિઝનલ મેજિસ્ટ્રેટ આ માટે અમલ અધિકારી રહેશે. તે ઉપરાંત ગુનાના દંડ વસૂલવા માટે સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા અપીલ અને ફેર તપાસ માટે ન્યાય નિર્ણય અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પણ જોગવાઈ કરી છે.