ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (13:22 IST)

અમદાવાદ અને વડોદરા બાદ ભાવનગર અને જામનગરને મળ્યા નવા મેયર, જાણો કોનું નામ જાહેર થયું

અમદાવાદ અને વડોદરા બાદ ભાવનગર અને જામનગર નવા મેયર
તાજેતરમાં જ અમદાવાદ અને વડોદરાના મેયરની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે અન્ય હોદ્દાઓ પણ જાહેર કરાયા હતાં. પરંતુ હવે ભાવનગર અને જામનગરના મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે.

ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે. જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઇ છે. ભાજપના નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામોની એક યાદી બનાવવામાં આવી હતી. જે યાદીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરવામાં આવી હતી.

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી. જામનગરના મેયરના પદ માટે વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કથગરા, પક્ષના નેતા તરીકે આશીષ જોષી અને દંડક તરીકે કેતન નાખવાના નામ પર મહોર લાગી છે.ભાવનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ભરત બારડ, બાબુભાઇ મેર, લક્ષ્મણ રાઠોડ અને ભારતી બેન મકવાણાનું નામ ચર્ચામાં હતું. જેમાંથી મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર લાગી છે. તો ડેપ્યુટી મેયર માટે ભાવનાબેન દવે, યોગીતાબેન ત્રિવેદી, મોનાબેન પારેખ, વર્ષાબા પરમારનું નામ ચર્ચામાં હતું. જેમાંથી મોના પારેખના નામ પર મહોર લાગી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયા, પક્ષના નેતા તરીકે કિશોર ગુરુમુખાણી અને દંડક તરીકે ઉષાબેન બધેકાના નામ પર મહોર લાગી છે.