સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જુલાઈ 2021 (09:41 IST)

ગુજરાતમાં કોવિડ-19 વાઇરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટનો પણ પ્રવેશ થયો, 3 કેસ મળી આવ્યા

ગુજરાતમાં કોવિડ-19 વાઇરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટનો પણ પ્રવેશ થયો છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં, જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો. રાજ્યમાં કોવિડ 19 SARC-COV-2 ના જીનોમ સિક્વન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વાઇરસના ત્રણ કેસ જોવા મળ્યા છે.

જોકે કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે એ અંગે વૈશ્વિક સ્તરે અભ્યાસ થઈ રહ્યા છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી એપ્રિલ મહિના બાદ દર 15 દિવસે સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં અત્યારસુધીમાં કુલ 32 સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટ અને એક સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેખાયો હતો.ગત મે મહિનામાં સાબરકાંઠાના તલોદ તાલુકાના 70 વર્ષીય દર્દીમાં કપ્પા વેરિયન્ટ મળ્યો હતો. એ પછી 16થી 30 જૂન વચ્ચે ગોધરા અને મહેસાણાના એક-એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું હતું. આ બન્ને દર્દીની સારવાર અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણવ શાહે કહ્યું હતું કે વાઈરસ ઝડપથી સ્પ્રેડ થાય ત્યારે મ્યૂટેશન થવાની શક્યતા વધારે રહે છે. આ મ્યૂટેશનથી જીનોમ સિકવન્સ બદલાતાં વાઇરસનો નવા વેરિયન્ટ બને છે. મહત્ત્વનું છે કે કોવિડ વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ પ્રથમ ભારતમાં જ જોવા મળ્યો હતો. એ જ રીતે કપ્પા વેરિયન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે. માઈક્રોબોયોલોજી વિભાગનાં ડૉ. દીપા કિનારીવાલાએ જણાવ્યું હતું કે કપ્પા વાઇરસની ગંભીરતા બાબતે હજુ રિસર્ચ થઈ રહ્યું છે. હજુ કોઈ મહત્ત્વનાં તારણો મળ્યાં નથી.