સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (11:48 IST)

સુરક્ષિત ગુજરાતઃ અમદાવાદના ઓઢવમાં જ્વેલરી શોપમાં ફાયરિંગ કરી ચાર લાખની લૂંટ

અમદાવાદના ઓઢવમાં જ્વેલરીની દુકાનમાં બુધવારે રાત્રે સોનાની ચેઇન ખરીદવાના બહાને બે બાઈક પર આવેલા પાંચ લુટારુએ સોની પર ફાયરિંગ કરી દુકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 4 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગમાં દુકાનના માલિક સહિત બેને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના અંગે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (આઈ ડિવિઝન) એન.એલ.દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓઢવ રબારી વસાહત પાસે આવેલા હીરાબા જ્વેલર્સ નામની દુકાનમાં મોડી રાતે બે બાઇક પર આવેલા 5 અજાણ્યા લુટારુ દુકાનમાં ઘૂસ્યા હતા અને જ્વેલર્સને સોનાની ચેઇન બતાવવાનું કહ્યું હતું. સોનીએ ચેઈન બતાવી રહ્યો હતો ત્યારે પાંચ પૈકીના એક પુરુષે પોતાની પાસેના હથિયારથી સોની ઉપર ફાયરિંગ કર્યું હતું. દરમિયાન બાકીનાઓએ દુકાનમાંથી સોનાના દાગીના અને રોકડા મળી કુલ રૂ. ચાર લાખથી વધુ રકમની મતા લૂંટી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ દરમિયાન સોનીને હાથમાં ઈજા થતાં તેણે બૂમાબૂમ કરી હતી આથી આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે લુટારુઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને 5 લુટારુ સામે ગુનો નોંધી તેમની સગડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.