શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જાન્યુઆરી 2020 (12:02 IST)

બનાસકાંઠામાં તીડે કરેલા પાકના નુકસાનમાં કોગ્રેસ માંગ્યા 63.93 કરોડ,સરકારે આપ્યા રૂ.31.45 કરોડ

તીડના આક્રમણ બાદ પાયમાલ થયેલા ખેડૂતોની આક્રમક રજૂઆતો બાદ રાજ્ય સરકારે રૂ.31.45 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે.જેમાં બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ.37,000 સુધીની સહાય સરકાર આપશે.આ પૂર્વે મંગળવારે સવારે જિલ્લાના કોંગ્રેસે હેક્ટર વાઇઝ આંકડા રજૂ કરી 63.93 કરોડના સહાય પેકેજની માંગ કરી હતી. 18મી ડિસેમ્બરના દિવસે બનાસકાંઠાના 280 અને પાટણ જિલ્લાના 5 ગામોમાં તીડના આક્રમણથી આ વિસ્તારના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. જેથી કૃષિ વિભાગે આ નુકશાનીનો સર્વે હાથ ધરીને નુકશાનીવાળા વિસ્તારના અંદાજે 11 હજારથી વધુ ખેડૂતો માટે રૂ.31.45 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 280 ગામ અને પાટણ જિલ્લાના 2 તાલુકાના 5 એમ કુલ 285 ગામોનો સમાવેશ કર્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત 24,472 હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં 750 હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ 25,222 હેક્ટર વિસ્તાર પૈકી અંદાજિત 17 હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં વળતર ચૂકવાશે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના 11,000થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.18,500 સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ.37,000 સુધીની સહાય અપાશે.આમ કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂ.5000 સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ.37,000 સુધીની સહાય ચૂકવાશે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જુદા જુદા પાકોનું 14064 હેકટર વાવેતરમાં 7135 હેકટરમાં નુકશાન ગણાવી 63.93 કરોડના સહાય પેકેજની માંગ કરી હતી.