શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 એપ્રિલ 2020 (14:02 IST)

અમદાવાદમાં વિદેશથી આવેલા 4084 લોકોનો ક્વૉરન્ટિન પૂરો થયો

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા જેમાંથી 4084 લોકોનો ક્વોરન્ટાઈન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટાઈનમાં છે. ગાઈડલાઈન્સ મુજબ 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી  ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ ક્વોરન્ટાઈનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે. ચાંદખેડામાં આવેલી જનતાનગર સોસાયટીમાં રહેતા રમીલાબેન સૂર્યવંશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  સોસાયટીએ ગેટ પર જ લખાણ મૂકને તમામને તેની જાણ કરી છે. જો કે, સ્થાનિક રહીશોનું કહેવું  છે, કે અમે લૉકડાઉનનું પૂરું પાલન કરીએ છીએ તેથી અમે નિશ્ચિંત છીએ.  જનતાનગર સોસાયટીમાં રહેતાં અને કોરોના પોઝિટિવ કેસ આવ્યો તે મકાનની બાજુની ગલીમાં રહેતા સુરેશભાઇ જીત્યા અને દિનેશભાઇ શેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં કોરોનાનો કેસ નોંધાશે  તેવી કોઈ શક્યતા દેખાતી ન હતી. પરંતુ પોઝિટિવ કેસ છતાં અમે નિશ્ચિંત છીએ, કેમકે અમે લૉકડાઉનનું પૂરું પાલન કરીએ છીએ. આ ઉપરાંત છેલ્લા લાંબા સમયથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ અમલમાં મૂકી દીધું હોવથી સોસાયટીમાંથી વધુ કેસ મળવાની કોઇ શક્યતા નથી.