ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:55 IST)

અમદાવાદ સિવિલ હોસ્પિટલે 9 વર્ષની બાળકીના પેટમાંથી ગાંઠ બનેલો વાળનો ગુચ્છો કાઢ્યો

tuft of hair from the abdomen of a 9-year-old gir
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટિયું રળી રહેલા સૂર્યકાન્તભાઇ યાદવની દીકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતાં તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા, જ્યાં તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતાં દીકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું હતું.

પરિવારજનો વિનાવિલંબે દીકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સીટી સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા, જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડની મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા
tuft of hair from the abdomen of a 9-year-old gir


અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. જયશ્રી રામજી, એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિદ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી હતી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું તો ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. પેટમાં વાળના ગુચ્છા સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે કારણસર એ ગાંઠ બની ગઇ હતી. એને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. આ અંગે ડૉ. જયશ્રી રામજી જણાવે છે, આ પ્રકારની ગાંઠને ટ્રાઇકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. એ ખાસ કરીને યુવતીઓ, કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલથી વાળ ગળી જવાને કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે.  તેઓ વધુમાં ઉમેરે છ કે અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દીકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય એવું જણાઇ રહ્યું હતું. આ વાતની અમને જાણ થતાં અમે દીકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલિંગ પણ કરાવ્યું છે.
tuft of hair from the abdomen of a 9-year-old gir

નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે, મારી દીકરીને પેટમાં દુખાવાની ઘણા સમયથી ફરિયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દીકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી, જે સંપૂર્ણપણે સફળ રહી છે. એ બદલ હું સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભારમાનું છું.સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી જણાવે છે કે હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે. યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય, જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલિંગ કરાવવું પણ જરૂરી છે, જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.